વરસાદી પાણી વહી જતા ભૂગર્ભ જળ સંગ્રહની વાતો પોકળ બની

કેચ ધી રેઇન, ડીપ રિચાર્જ બાય રેઇન , રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવા પ્રોજેક્ટ ગોકળગતીએ
ચાલુ વર્ષે વરસાદ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં પણ સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે ભૂગર્ભ જળસ્તર વધારવાની સેખી વચ્ચે વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરવાના સ્થાને વહી જતા કેટલાક લોકોમાં જાગૃતતાના અભાવ સાથે તંત્રની બેદરકારી છતી થઇ છે. કેચ ધી રેઇન, ડીપ રિચાર્જ બાય રેઇન તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી પદ્ધતિની કામગીરી ગોકળગતીએ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત આ અંગેની 80-20ની સ્કીમો પણ અભરાઈ પર ચડી ગઈ છે.
વિશ્વ જળ દિન દર વર્ષે ૨૨ માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિનબદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. ભારતમાં ઘણા શહેરો છે જ્યાં ઉનાળામાં પાણીની ઘણી અછત હોય છે.જ્યારે આગામી સમયમાં આ શહેરો માટે પણ ઘણું જોખમ છે.એટલું જ નહીં સમગ્ર વિશ્વ માટે પાણીની અછતનું સંકટ ગંભીર સમસ્યાના રૂપમાં ઉભું છે. આ કારણથી પાણી બચાવવાની આવશ્યકતા છે. ભારત પાસે વિશ્વની કુલ વસ્તીના 17 ટકા છે. પરંતુ માત્ર 4 ટકા જળ સંસાધનો છે. ત્યારે સરકાર દ્વારા જલ શક્તિ અભિયાન (જળ શક્તિ મિશન) હેઠળ કેચ ધી રેઇન પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત રેઈન વોટર હાર્વેસ્ટિંગ (RWH) પદ્ધતિ પણ અમલી કરી છે. જે વરસાદી પાણીને વહી જવા દેવાને બદલે સંગ્રહ કરે છે. વરસાદનું પાણી છત જેવી સપાટી પરથી એકત્ર કરવામાં આવે છે અને તેને ટાંકી, ઊંડા ખાડા (કુવા અથવા બોરહોલ), જલભર અથવા પરકોલેશનવાળા જળાશયમાં રીડાયરેક્ટ કરવામાં આવે છે, જેથી તે નીચે ઉતરે અને ભૂગર્ભ જળને પુનઃસ્થાપિત કરે. અત્રે નોંધનીય છે કે, ભારતમાં વરસાદી પાણીનો સંગ્રહ એ સિંધુ ખીણ અને હડપ્પાની પ્રાચીન સંસ્કૃતિઓમાં જોવા મળતી વર્ષો જૂની પ્રથા છે. વરસાદના પાણીના દરેક ટીપાને બચાવવા માટે દરેક પ્રદેશની પોતાની પરંપરાગત વોટર હાર્વેસ્ટિંગ તકનીકો હતી.