'રક્તદાન' મહામુલા જીવનને બચાવી શકે છે

— એએસજી હોસ્પિટલમાં રક્તની અછત નિવારવા રક્તદાન શિબિર

— જિલ્લા કલેક્ટર સાથે મહેસુલી વિભાગના ઉચ્ચ અધિકારીઓનું રક્તદાન

— રક્તદાન પ્રવૃત્તિને જીવનશૈલીનો ભાગ બનાવવા માટે જિલ્લા વહીવટી કલેકટરની અપીલ

વડોદરામાં આવેલી હોસ્પિટલોમાં પડતી રક્તની અછત નિવારવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિયાનના ભાગરૂપે આજે કલેક્ટર કચેરી પરિસર સ્થિત કુબેર ભવનમાં રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મહેસુલી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત કર્મયોગીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.

મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સયાજી જનરલ હોસ્પિટલમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓ પણ સારવાર માટે આવે છે.અહીં પ્રતિદિન ૬૦થી ૭૦ બોટલ રક્તની જરૂરિયાત રહે છે. ઘણી વખત તો એક સો જેટલી બોટલ રક્તની માંગણી રહે છે.વળી ઘણા કિસ્સાઓમાં એવું પણ બને છે કે સાવ અજાણ્યા દર્દીઓને લોહી ચઢાવવું પડે છે.આવા સંજોગોમાં સરકારી હોસ્પિટલ માટે રક્તદાન કરવું એ મહાપુણ્યનું કર્મ બની રહે છે. આ બાબતોને ધ્યાને રાખીને કલેક્ટર અતુલ ગોર દ્વારા સરકારી સંકુલમાં રક્તદાન કેમ્પ યોજવાનો વિચાર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને તેને મહેસુલી અધિકારીઓએ ઝીલી લીધો હતો. પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ, કલેક્ટર કચેરીના વિવિધ શાખાઓના અધિકારીઓને રક્તદાન કરવા માટેની સમયસારણી ગોઠવી આયોજન કરવામાં આવ્યું હતું. તે મુજબ સૌએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આઉટ સોર્સના કર્મયોગીઓ ઉપરાંત મહિલા કર્મયોગીઓ પણ સેવાના આ મહાકાર્યમાં વિશેષ સંખ્યામાં જોડાયા હતા.

રક્તદાન શિબિરમાં નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ,અધિક કલેક્ટર  જે. જે. પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી કોમલ પટેલ, નાયબ કલેક્ટર મયંક પટેલ સહિત મામલતદારો અને નાયબ મામલતદારો પણ સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા.જિલ્લા કલેક્ટરે પોતે રક્તદાન કરી પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.તેમણે અપીલ કરી છે કે, કોઇ દર્દીને તેમની આપત્તિના સમયમાં રક્તદાન થકી સહાય કરવી એ નાગરિક ધર્મ છે. રક્તદાન પ્રવૃત્તિને જીવનશૈલીનો ભાગ બનાવવો જોઇએ. કેમકે, દર ત્રણ માસ પછી રક્તદાન કરી શકાય છે. સંસ્થા કે કંપનીનો સ્થાપના દિન, જન્મ દિન કે કોઇ પ્રસંગને સેવાકીય પ્રવૃત્તિનું માધ્યમ બનાવવા માટે રક્તદાન કેમ્પ યોજીને ઉજવણી કરી શકાય છે.