સીઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમ છલકાવવના આરે

સરદાર સરોવર ડેમની મહત્તમ જળાશય સપાટી ૧૩૮.૬૮ મીટર નક્કી કરવામાં આવી છે. ત્યારે હાલ ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા ડેમમાં ધરખમ પાણીની આવક થતા ડેમની સપાટી 136.88 મીટરે પહોંચતા મહત્તમ સપાટીથી માંડ 1.74 મીટરનું અંતર બાકી છે. જેથી તંત્ર દ્વારા લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ, સીઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમ છલકાવવના આરે છે.
ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમમાં પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી 136.88 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 11,68,235 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેથી 23 દરવાજા 2.95 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 5,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નદી કાંઠા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોને સાબદા કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર યોજનાનો મુખ્ય ઉદેશ્ય પશ્ચિમ ભારતના લાખો લોકોના જીવન અને પર્યાવરણના વિકાસના અસ્તિત્વને ટકાવવા નર્મદાના વણવપરાયેલ પાણીનો સદઉપયોગ કરી જીવનના મુળતત્વ-પાણી અને ઊર્જાની જોગવાઇ કરવાનો છે. સરદાર સરોવર ડેમની મહત્તમ જળાશય સપાટી (એફઆરએલ) આરએલ ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફૂટ) નક્કી કરવામાં આવી છે. મહત્તમ જળ સપાટી ૧૪૦.૨૧ મીટર (૪૬૦ ફૂટ), જયારે લઘુત્તમ ડ્રોડાઉન સપાટી ૧૧૦.૬૪ (મીટર) (૩૬૩ ફૂટ). સામાન્ય અંતિમ જળ સ્તર ૨૫.૯૧ મીટર (૮૫ ફૂટ) છે.