નવીન ટેકનોલોજી સાથે વડોદરા મનપા ઈન્ટિગ્રેટ ક્યારે થશે ?

છ વર્ષે પણ પાલિકાના વિભાગોને ડિજિટલ પ્લેટફોર્મનું કામ અભરાઈએ
ઇઆરપી - એસએપી પ્રોજેક્ટ પાછળ 10.70 કરોડથી વધુનો ખર્ચ માથે પડશે!
વડોદરા કોર્પોરેશનની ચૂંટાયેલી- વહીવટી પાંખ નગરજનોની સુવિધા અને સુખાકારી માટે અનેક પ્રોજેક્ટ હાથ ધરે છે. પરંતુ મોટાભાગના પ્રોજેક્ટ સામે આંગળી ચીંધાતી હોય છે. તેની પાછળ અંદાજ કરતા વધુ ખર્ચ, સમય મર્યાદા વિતવા છતાં અધૂરી કામગીરી , સુપરવિઝનનો અભાવ અથવા પ્રોજેક્ટની કેટલીક ક્ષતિને નજર અંદાજ કરવી સહિતના મુદ્દાઓ કારણ ભૂત બને છે. ત્યારે અહીં આપણે વધુ એક પ્રોજેક્ટની વાત કરવા જઈ રહ્યા છે, જેમાં 10 કરોડથી વધુની માતબર રકમ ચૂકવાઇ ગઈ હોવા છતાં આ સુવિધા હજુ સુધી ઉપયોગી બની નથી. તેની પાછળનું કારણ કોર્પોરેશનના અધિકારી પદાધિકારીઓની બેદરકારી જવાબદાર છે.
દીર્ઘદ્રષ્ટિ ધરાવતી સરકારે ડિજિટલ ક્ષેત્રે અને ક્રાંતિ સર્જી છે. ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અનેક પ્રોજેક્ટ થકી વહીવટ પારદર્શક બનાવવાની સાથે કામગીરી ઝડપી કરી છે. રાજ્યની મહાનગરપાલિકાઓમાં પણ કાર્યશૈલીમાં પારદર્શકતા આવે અને નાગરિકો માટે વિચારો વ્યવસ્થા ઊભી થાય તે માટે અનેક ડિજિટલ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. જે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ઇઆરપી (એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ)-એસ એ પી પ્રોજેક્ટ વર્ષ 2017- 18 દરમિયાન રૂ. 24.41 કરોડના ખર્ચે હાથ ધરાયો હતો. અત્રે નોંધનીય છે કે , ઇઆરપી એક કોમન ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ છે. જે કોર અને નોનકોર મોડ્યુલ ને ઇન્ટીગ્રેટ કરે છે. અને મહાનગરપાલિકાની તમામ સિસ્ટમ માટે ઇન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ બનાવવાનો છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહાનગરપાલિકાના તમામ વિભાગોનું સંકલન કરી માહિતીની એક સૂત્રતા જળવાઈ રહે તે માટેનો હતો. પાલિકાની સિક્યુરિટી વધશે તેવા દાવા સાથે ઈન્વર્ટરી મેનેજમેન્ટ, ફાઈલ મેનેજમેન્ટ, લીગલ કેસ મેનેજમેન્ટ જેવી સિસ્ટમ થતા કોઈપણ માહિતીના ડેટા ત્વરિત મળશે તેવા વાયદા હતા. આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં 10,70, 45,029 નું પેમેન્ટ ચૂકવાઇ ગયું છે. પરંતુ, આજે છ વર્ષ બાદ પણ બંને પ્રોજેક્ટ હાલમાં કાગળ પર છે.અને તંત્ર સિસ્ટમ કોમ્પ્યુટર રાઈઝડ કર્યાની પોકળ વાતો કરે છે. ગોકળગતીએ ચાલતી આ પ્રોજેક્ટની કામગીરીએ પાલિકામાં ચાલતી લાલિયા વાડી અને અધિકારીઓની બેદરકારી છતી કરી છે. ઉપરોક્ત સમગ્ર માહિતી આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીની સતર્કતાના કારણે સપાટી પર આવી છે.