1 મહિનામાં અનરાધાર..અત્યાર સુધી 69.97 ટકા વરસાદ
1 મહિનામાં અનરાધાર..અત્યાર સુધી 69.97 ટકા વરસાદ
---સૌથી વધુ ૧૨૯.૯૮ ટકા વરસાદ કચ્છમાં અને સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં ૫૩.૫૬ ટકા
--- સૌરાષ્ટ્રમાં પણ વરસાદે સદી ફટકારી દીધી..!
રાજ્યમાં આ વર્ષે વરસાદે ભુક્કા બોલાવી દીધા છે,ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો પ્રારંભે જ પૂર જેવી પરિસ્થતિ લાવી દીધી હતી,ત્યારે આજે ૨૪ જુલાઇના રોજ ચોમાસાને એક મહિનો પૂરો થયો છે,અને આ એક મહિનામાં રાજ્યભરમાં વરસાદે ભરપૂર પાણી વરસાવ્યું છે.વરસાદના આંકડાઓ મુજબ અત્યાર સુધી રાજ્યમાં 70 ટકા જેટલો વરસાદ પડી ગયો છે.રાજ્યમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૨૯.૯૮ ટકા,સૌરાષ્ટ્રમાં ૧૦૨.૯૬ ટકા ઉત્તર ગુજરાતમાં ૫૯.૮૨ ટકા,દક્ષિણ ગુજરાતમાં ૫૬.૦૪ ટકા, મધ્ય ગુજરાતમાં ૫૩.૫૬ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
સીઝનની શરૂઆત સાથે જ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અવિરત મેઘમહેર રહી હતી,સતત વરસાદને કારણે સૌરાષ્ટ્ર તેમજ કચ્છની લગભગ તમામ નદીઓ ડેમો ઓવરફળો થયા છે અથવા તો ઓવરફ્લોની નજીક છે.બીજીતરફ દક્ષિણ ગુજરાતમાં પણ મુશળધાર વરસાદે અનેક વિસ્તારોમાં મુશ્કેલીઓ સર્જી છે,વલસાડ,નવસારી સુરત સહિત આદિવસી પંથકમાં વરસાદ મનમુકીને વરસ્યો છે.એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ અત્યારસુધી સારૂ વરસાદ જોવા મળી રહ્યો છે, ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદથી પાણીની સમસ્યાથી મુક્તિની સ્થતિ વધુ પ્રબળ બની છે.જોકે ક્યાંક વરસાદે તારાજી સર્જાતા ખેતી અને ખેડૂતોની હાલત કફોડી બની રહી છે.
--- ૨૯૩ માર્ગો બંધ હાલતમાં
રાજ્યમાં અવિરત મેઘમહેરની અસર રાજ્યના માર્ગો પર પણ થઇ હતી. ભારે વરસાદના કારણે રાજ્યમા ૨૯૩ માર્ગો બંધ હાલતમાં છે. એક નેશનલ હાઈવે પોરબંદર જિલ્લામાં બંધ છે. તો 11 સ્ટેટ હાઈવે બંધ છે. રાજકોટ, જામનગર જુનાગઢ અને પોરબંદરમા બે બે સ્ટેટ હાઈવે બંધ છે. આણંદ, ભાવનગર ગીર સોમનાથમા એક એક સ્ટેટ હાઈવે બંધ હાલતમાં છે. ૨૫૫ પંચાયત હસ્તકના માર્ગો બંધ હાલતમાં છે. સૌથી વધુ જુનાગઢમા 57, જ્યારે પોરબંદર 47, વલસાડ અને રાજકોટ 33, નવસારી 16 અને ભાવનગરમાં 23 માર્ગો બંધ છે. તો 26 અન્ય માર્ગો બંધ હાલતમાં છે.