કારગિલ વિજય દિવસ..જયારે દુશ્મનોનો ખાત્મો કરી સેનાએ 18 હજાર ફૂટની ઉંચાઈએ લહેરાવ્યો તિરંગો

કારગિલ વિજય દિવસ..જયારે દુશ્મનોનો ખાત્મો કરી સેનાએ 18 હજાર ફૂટની ઉંચાઈએ લહેરાવ્યો તિરંગો
---યુધ્ધમાં રોજ 5,000થી વધારે બોમ્બ ભારત તરફથી રોજ ફાયર કરવામાં આવતા
---60 દિવસ સુધી દુર્ગમ પહાડીઓ પર લડાઈ કરી ‘ઓપરેશન વિજય’માં ભારતનો વિજય
આજે 26 જુલાઈ 2023 આજથી 24 વર્ષ પૂર્વે ભારતે કારગીલની દુર્ગમ પહાડીઓ પર કઠિન યુધ્ધ લઢી વિજય મેળવ્યો હતો.આજે કારગિલ યુદ્ધનાં વિજય દિવસને 24 વર્ષ પૂરા થયા છે. ‘ઓપરેશન વિજય’ દરમિયાન ભારતનાં ઘણા સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં,ભારતના વીર સપૂતોએ પોતાના શોર્ય અને બલિદાનથી ભારતની જમીન પર ઘુસી આવેલ દુશ્મનોનો ખાત્મો બોલાવી વિજય પ્રાપ્ત કર્યો હતો.દર વર્ષેની જેમા આ વર્ષે પણ દેશનાં બહાદુર સૈનિકોને યાદ કરી તેમની બહાદુરી અને હિંમતની ગાથાઓ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
વાત કારગિલ યુદ્ધની કરીએ તો 1999માં પાકિસ્તાન સમર્થિત ઘુસણખોરોએ મે અને જૂન વચ્ચે કારગીલની પહાડીઓ પર વ્યૂહાત્મક રીતે મહત્ત્વની ઊંચી ઊંચાઇવાળા ચોકીઓ પર કબજો કરી લીધો હતો, જેના કારણે ભારતે પોતાની ચોકીઓ પુનઃપ્રાપ્ત કરવા માટે ‘ઓપરેશન વિજય’ લોન્ચ કર્યું હતું.અને ડેરો જમાવી બેઠેલા આતંકીઓ અને ઘૂસણખોરો સામે યુધ્ધ છેડી દીધું હતું.ઘૂસ્ણખોરોમાં પાકિસ્તાની રેંજરો હોવાનું પણ સામે આવ્યું હતું.દરમિયાન આ યુદ્ધમાં ૫૦ લાખ હજાર ગોળા અને રોકેટ છોડવામાં આવ્યા હતાં, ૩૦૦થી વધારે તોપ, મોર્ટાર અને રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.૫૦૦૦થી વધારે બોમ્બ ભારત તરફથી રોજ ફાયર કરવામાં આવતા હતાં.યુદ્ધનાં મહત્વનાં ૧૭ દિવસોમાં રોજ આર્ટિલરી બેટરીથી અંદાજે એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વ યુદ્ધ પછી આ પહેલું એવુ યુદ્ધ હતું જેમાં કોઈ એક દેશની સેનાએ બીજા દેશની સેના પર આટલાં બોમ્બ ફેંક્યા હતાં.આ યુદ્ધ ૬૦ દિવસથી વધુ સમય લડાયું હતું જે આખરે ૨૬ જુલાઈનાં રોજ પૂરું થયું હતું. અંદાજે ૧૮ હજાર ફૂટ ઊંચાઈ પર કારગિલમાં લડવામાં આવેલા આ યુદ્ધમાં આશરે ૫૨૭ ભારતીય જવાન શહીદ થયા હતાં અને આશરે ૧૩૬૩ જેટલાં જવાન ઘાયલ થયાં હતાં.
---પાકિસ્તાનની નાપાક ઈરાદાઓએ કારગિલ યુધ્ધને જન્મ આપ્યો
વર્ષ 1990માં કાશ્મીરમાં અલગાવવાદીઓના કારણે તણાવ વધ્યો હતો.એવું કહેવાય છે કે આમાથી કેટલાકને પાકિસ્તાન દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે.પાકિસ્તાનની સેના ગુપ્ત રીતે સૈનિકો અને અર્ધલશ્કરી દળોને તાલીમ આપીને ભારતીય વિસ્તારમાં મોકલી રહી હતી. તેમાંથી કેટલાક મુજાહિદ્દીનના વેશમાં ભારતમાં ઘૂસ્યા હતા.પાકિસ્તાનની ઈચ્છા કાશ્મીર અને લદ્દાખ વચ્ચેની કડી તોડીને ભારતીય સેનાને સિયાચીન ગ્લેશિયરથી પીછેહટ કરવા મજબૂર કરવાની હતી. જો કે દેશની સેનાએ ભારતીય ક્ષેત્રમાં ઘૂષણખોરીનો જડબાતોડ જવાબ આપીને યુદ્ધ જીતી લીધું હતું.
--- વીર જવાનોનાં ચહેરા પર એક અલગ જ ખુમારી અને અનોખું તેજ ચમકતું હોય છે
આજે આપણે સૌ આપણા ઘરોમાં સુરક્ષિત છીએ કારણકે આવા વીર જવાનો દેશના સીમાડાઓ સાચવીને અડીખમ ઊભા છે. ભારતની સેના દેશની સીમાઓનાં રક્ષણ તથા સંપ્રભુતાનાં રક્ષણ માટે કટિબદ્ધ છે. વીર જવાનોનાં ચહેરા પર એક અલગ જ ખુમારી અને અનોખું તેજ ચમકતું હોય છે.આપણે બધાં ભલે આજનો દિવસ જુદી-જુદી રીતે દેશની અંદર રહીને ઉજવીએ પણ કોઈ દિવસ વિચાર કર્યો છે કે આપણે બધાં સામાન્ય નાગરિકો આપણા તહેવારો આનંદ અને ઉલ્લાસથી ઊજવી શકીયે એ માટે સરહદો પર ગમે તેવી કડકડતી ઠંડી, અગનજ્વાળા વરસાવતો તાપ કે મુશળધાર વરસાદ જોયાં વગર કોઈ ખડે પગે સજ્જ છે? આ એ જવાનો છે જેમનાં દિલમાં વાર-તહેવાર કે પરિવાર સાથેની કોઈ અમૂલ્ય કે સુખદ ક્ષણો ન માણી શક્યાનો અફસોસ નહિ પણ દેશ માટે ફના થઈ જવાની કે કુરબાન થઈ જવાની ખુમારી વધારે ઝળકે છે.