વડોદરામાં ધાવણનું દાન કરવામાં ધાત્રી માતાઓ અગ્રેસર

વડોદરામાં ધાવણનું દાન કરવામાં ધાત્રી માતાઓ અગ્રેસર

---છેલ્લા પાંચ વર્ષમાં ૯૦૧૫ ધાત્રી માતાઓએ પોતાના દુગ્ધામૃતનું દાન કર્યું

--એસએસજી હોસ્પિટલની માતૃબેંક અનેક નવજાત બાળકોના પોષણ કરી ધાત્રી માતાઓ બાળકની પરોક્ષ માતાઓ બની 

વડોદરામાં આવેલી એસએસજી હોસ્પિટલની માતૃબેંક અનેક નવજાત બાળકોના પોષણનું માધ્યમ બની છે. સામાન્ય રીતે મધર મિલ્ક બેંક તરીકે ઓળખાતી આ માતૃબેંકમાં અનેક માતાઓ પોતાના મહામૂલા ધાવણનું દાન કરી અન્ય બાળકોની પરોક્ષ માતા બને છે. વડોદરાની આ માતૃબેંકમાં છેલ્લા પાંચ વર્ષમાં ૯૦૧૫ માતાઓએ પોતાના ધાવણનું દાન કર્યું છે. વડોદરા શહેરમાં પરોક્ષ માતા બનવા માટેના આ મહાકાર્યમાં યોગદાન આપવામાં માતાઓમાં જાગૃતતા વધી રહી છે.

એસએસજી હોસ્પિટલ ખાતે ગત્ત ઓક્ટોબર-૨૦૧૯થી માતૃબેંક શરૂ કરવામાં આવી છે. જેમાં ધાત્રી માતાઓના બ્રેસ્ટ મિલ્કનું દાન સ્વીકારવામાં આવે છે. આ માતૃબેંકના પ્રારંભે ધાત્રી માતાઓમાં જાગૃતિનો અભાવ હતો, પણ હવે બેંકમાં ધાવણનું દાન આપવા આવનારી માતાઓનું પ્રમાણ વધી રહ્યું છે. અહીં આવતી ધાત્રી માતાના સર્વ પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં એચઆઇવી, હિપેટાઇટીસ, વીડીઆરએલ જેવા ટેસ્ટ કરવામાં આવે છે. સામાન્ય રીતે પોતાના પુત્રને સ્તનપાન કરાવ્યા બાદ પણ હેવી ફિલ કરતી માતાઓ ધાવણનું દાન કરવા માટે આવતી હોય છે. આ માતાઓમાં દુગ્ધપ્રમાણ વધુ હોય છે.

ઉક્ત બધા ટેસ્ટ નકારાત્મક આવ્યા બાદ ધાત્રી માતા પાસેથી દુગ્ધદાન સ્વીકારવામાં આવે છે. આ માટે હોસ્પિટલ ગ્રેડ બ્રેસ્ટ પમ્પ દ્વારા ધાવણ લેવામાં આવે છે. એકત્ર કરવામાં આવેલા ધાવણને ૬૨.૫ ડિગ્રી તાપમાને અડધી કલાક ગરમ કરી પેશ્ચુરાઇઝેશન કરીને સંગ્રહ કરવામાં આવે છે. તેનો કલ્ચર ટેસ્ટ પણ કરવામાં આવે છે.  બાદમાં ૨૦ ડિગ્રી ઠંડા તાપમાનમાં સંગ્રહિત કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૨૫ એમએલની એક બોટલમાં ત્રણ માતાઓના દુગ્ધને મિશ્ર કરવામાં આવે છે. આ સંગ્રહિત અમૃત છ માસ સુધી ચાલે છે. એ પહેલા તેને જરૂરતમંદ બાળકને આપી દેવામાં આવે છે. માતા પોતે આઇસીયુમાં હોઇ કે બાળકની સારવાર ચાલતી હોય, અથવા તો માતાને ધાવણ ના આવતું હોવાના કપરા સંજોગોમાં એસએસજીના તબીબો અહીંથી આ દુગ્ધામૃત મંગાવીને બાળકને ફિડ કરાવે છે. કારણ કે, નવજાત બાળક માટે માતાનું દૂધ બહુ જ પોષણકર્તા છે. આ સેવા માત્ર સિવિલ હોસ્પિટલ પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી છે.

---૧ ઓગસ્ટથી સ્તનપાન સપ્તાહની ઉજવણી

ધાત્રી માતા તેમના ધાવણ આવવાના સમયથી એક વર્ષ સુધી દાન કરી શકે છે. વડોદરાની આ માતૃબેંકમાં છેલ્લા પાંચ વર્ષમાં ૯૦૧૫ માતાઓએ દુગ્ધામૃતનું દાન કર્યું છે. આ દાનથી ૧૩૧૯ લિટર દુગ્ધામૃત એકત્ર કરી ૩૧૯૭ બાળકોને પોષિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૨૧૯ માતાઓએ પોતાના જ દુગ્ધનું પોતાના બાળકોને માતૃબેંકના માધ્યમથી પાન કરાવ્યું છે. આવા કેસમાં બાળક મોં વાટે પી ના શકતો હોય ત્યારે માતૃબેંકની સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ બાળરોગ રોગ વિભાગના હેડ ડો. શીલા અય્યરે કહ્યું હતું. મજાની વાત તો એ છે કે, હવે ધાત્રી માતાઓ પણ જાગૃત બની રહી છે. હોસ્પિટલમાં અનેક ધાત્રી માતાઓ સ્વયં દુગ્ધામૃતનું દાન કરવા માટે આવે છે. તા. ૧ ઓગસ્ટથી સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે, વડોદરા શહેરમાં દુગ્ધામૃતનું દાન કરી અન્ય બાળકની પરોક્ષ માતા બનતી ધાત્રીઓના મહામૂલા દાનની કદર કરવી રહી !