મારી માટી મારો દેશ:પાકિસ્તાન યુદ્ધમાં 9 ગુજરાતી યુવાનો વીરગતિ પામ્યા હતા

મારી માટી મારો દેશ:પાકિસ્તાન યુદ્ધમાં 9 ગુજરાતી યુવાનો વીરગતિ પામ્યા હતા
---ઈન્ડો - પાક યુદ્ધમાં કેપ્ટન તરીકે સેવા આપનાર કર્નલ વિનોદકુમાર ફલનીકર વીરતાના ગૌરવગાનથી ભાવુક
---ભારતના તમામ ગામોની માટીથી બનતી અમૃત વાટિકાની સુવાસથી દરેક શહીદ તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓની આત્માને સાચા અર્થમાં શ્રદ્ધાંજલી મળશે
"મારી માટી, મારો દેશ" અભિયાન અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વડોદરા જિલ્લામાં પણ અભિયાનને લઈને માતૃભૂમિની રક્ષા માટે બલિદાન આપનાર વીર શહીદો તથા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈ.સ.૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કેપ્ટન તરીકે સેવા આપી હતી તે વીર યોદ્ધા અને વડોદરાના રહેવાસી કર્નલ વિનોદ ફલનીકરે આ અભિયાન વિશે ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી છે.
કર્નલ વિનોદ ફલનીકરે વર્ષ ૧૯૬૭માં સેનામાં જોડાયા હતા. ત્યારબાદ વર્ષ ૧૯૭૧ના ઈન્ડો - પાક ના ઘમાસાણ યુદ્ધમાં કેપ્ટન તરીકે વીરતાપૂર્વક સેવા આપીને દેશની આન બાન શાનમાં વધારો કર્યો હતો. તેઓ જણાવે છે કે દરેક સેનાની પોતાના દેશ માટે બલિદાન આપવામાં જરાય ખચકાતો નથી અને તેમની શહીદીમાં પરિવારો પણ ખુબજ વીરતા દાખવતા હોય છે. ત્યારે તેઓની રાષ્ટ્ર નિષ્ઠા માટે તેમને અને તેમના પરિવારોને સન્માનિત કરવામાં આવશે તે માટે અનેરા આનંદની લાગણી અનુભવાય છે.શ્રી ફલનીકર આ મહાઅભિયાન વિશે જણાવતા કહે છે દેશની માટીનું ખુબજ મહત્વ હોય છે. માટીમાંથી દેશના અનેક શહીદોના બલિદાનની સુવાસ મળે છે. તેમણે પોતાની અંદામાન નિકોબારની સેવા દરમિયાન સેનાનીઓના બલિદાનને સન્માનિત કરવા માટે ત્યાંની માટી પોતાના ઘરે લાવીને એક કુંડામાં રાખી છે. જયારે આ અભિયાન અન્વયે દેશભરના ગામડાઓમાંથી માટી લાવીને અમૃત વાટિકાનું નિર્માણ થશે ત્યારે તેમાં દેશભરના શહીદોના બલિદાનની સુવાસથી દરેક શહીદ તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓની આત્માને સાચા અર્થમાં શ્રદ્ધાંજલી મળશે.
દેશની વર્તમાન સરકારની સૈનિકોને સન્માનિત કરવાની વિચારધારાની સરાહના કરતા તેઓ જણાવે છે કે, સેનામાં સેવા બજાવતાં દરેક યુવાનો વીરતા અને શોર્યથી સુસજજ હોય છે. પરંતુ ગણતરીના વીરોને જ શોર્ય પુરસ્કાર મળતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા અવારનવાર એવોર્ડ અને પુરસ્કારથી દરેક યુવાનોને સન્માનિત કરીને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુધ્ધમાં વિજય મેળવ્યાના ૫૦ માં વર્ષે દેશની ચારેય દિશામાં મશાલ રેલી નીકળી હતી. જેમાં યુદ્ધમાં વીરતા દાખવનારા વીરો તથા શહીદોના ઘરે ઘરે જઈને તેમને અને તેમના પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આવું છેલ્લા કેટલાય વર્ષોમાં ના જોયું હતું કે ના સાંભળ્યું હતું. તેવી જ રીતે આ અભિયાન થકી તમામ સેનાનીઓને સર્વોચ્ચ સન્માન મળશે, તે ખરેખર દેશ માટે ગૌરવની ક્ષણ બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, કર્નલ ફલનીકરે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મ્યાનમાર બોર્ડર તથા સૌથી વધુ કાશ્મીરમાં સેવા આપી છે. ૧૯૯૦માં કાશ્મીરમાં થયેલ સામૂહિક નરસંહારના સમયે તેમણે કમાન્ડિંગ ઓફિસર તરીકે પણ ફરજ બજાવી હતી. "મારી માટી, મારો દેશ" અભિયાન અંતર્ગત ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ સહિત દેશની રક્ષા કાજે શહીદી વહોરીને જીવનનું બલિદાન આપનાર ભારતીય સેનાના દરેક વીરો અને વિરાંગનાઓને શ્રદ્ધાંજલી આપવાના આ મહામૂલા અવસર વિશે પ્રસન્નતા વ્યક્ત કરતા કર્નલ વિનોદ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.