આજે ૨જી સપ્ટેમ્બર-"વિશ્વ નાળિયેરી દિવસ"
સમગ્ર વિશ્વમાં બીજી સપ્ટેમ્બરના રોજ ‘‘વિશ્વ નાળિયેરી દિવસ’’ ની ઉજવણી કરવામાં આવે છે. નાળિયેરના પાક માટે દરિયાકાંઠાના ગરમ અને ભેજવાળા હવામાન તેમજ વધારે વરસાદવાળા વિસ્તારો અગત્યના છે. શાસ્ત્રોમાં પુરાણકાળથી અને લોકજીવનમાં લગ્નગીતોથી માંડી કહેવતોમાં નાળિયેર જોડાયેલું છે. માણસના જન્મથી માંડી લગ્ન અને મરણ સુધી સાથે રહેલા નાળિયેરને “શ્રીફળ” એટલે લક્ષ્મીજીનું ફળ શુકનવંતુ મનાય છે.આ વૃક્ષના તમામે તમામ ભાગોનો એક યા બીજી રીતે ઉપયોગ થતો હોવાથી તેને “કલ્પવૃક્ષ” અથવા “સ્વર્ગનું વૃક્ષ” પણ કહેવાય છે.
ત્યારે ગુજરાત સરકારે રાજ્યમાં નાળીયેરીની ખેતી, ઉત્પાદન અને નાળીયેરી સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવા ચાલુ વર્ષે જ “ગુજરાત નાળીયેરી વિકાસ કાર્યક્રમ” અમલમાં મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં કુલ રૂ. ૪૦૩.૩૦ લાખની જોગવાઇ સાથે નવી યોજના તરીકે આ મિશનને મંજૂરી અપાઈ છે. આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને નાળીયેરી વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના ૭૫ ટકા મહત્તમ રૂ. ૩૭,૫૦૦ પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જેની ચૂકવણી ૨ હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫નને પ્રોત્સાહન આપવા માટે ખર્ચના ૫૦ ટકા મુજબ મહત્તમ રૂ. ૫,૦૦૦ પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે.
મહત્વનું છે કે નાળિયેરની ખેતીમાં સમગ્ર ગુજરાતમાં જૂનાગઢ- ગીર સોમનાથ જિલ્લો પ્રથમ સ્થાને છે. જૂનાગઢ જિલ્લામાં ફળોમાં પ્રથમ કેરી અને પછી નાળિયેરનો પાક સૌથી વધુ થાય છે. જિલ્લામાં નાળિયેરનો ૬૩૦૦ હેકટર વાવેતર વિસ્તાર છે. માંગરોળમાં નાળિયેરી પાક માટેના રોપાઓ રોપ ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવે છે. ગુજરાતમાં પ્રતિ હેકટર નાળિયેરની ઉત્પાદકતા ૮૫૪૨ છે. ગુજરાત દેશનો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. જેટલો દરિયાકિનારો ધરાવે છે, અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળીયેરીનું ઉત્પાદન વધારે થાય છે. જ્યાં જૂનાગઢમાં રાજયકક્ષાના કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના કરાઇ છે. જેનાથી નાળિયેરના ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. દરિયાકાંઠાના જિલ્લામાં હાલ ૪૫.૬૧ લાખ હેક્ટર જેટલો વિસ્તાર ખેતી લાયક છે, જેને ધ્યાને રાખી દરિયાકાંઠાના જિલ્લામાં નાળીયેરીનો વાવેતર વિસ્તાર ૨૬ હજાર હેક્ટરથી વધીને ૭૦ થી ૮૦ હજાર હેક્ટર સુધી પહોંચવાની શક્યતા છે.
જોવા જઈએ તો ગુજરાતના ૧૪ જિલ્લામાં દરિયાકિનારો છે. જેમાં માંગરોળ,ચોરવાડ, માળીયા, ગીરસોમનાથ અને પોરબંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં નાળિયેરનું પાકનું ઉત્પાદન મહત્તમ થાય છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન રાજ્ય અને રાજ્ય બહાર નાળીયેરીની માંગ વધતાં ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. સાથે સાથે નાળિયેરના પ્રોસેસીંગ થકી તેનું મૂલ્યવર્ધન કરતા નાળીયેર પાણીનાં ટેટ્રાપેક, બોટલ, નાળીયેર મિલ્ક પાવડર, નાળીયેરી તેલ, નીરો, કોયર જેવા અનેક નાળીયેરી આધારિત ઉત્પાદનો અને ઉદ્યોગોને પ્રોત્સાહન મળવાની શક્યતાઓ છે.