સુરક્ષા વિના દોડતા ગેસ - ઓક્સિજનની હેરાફેરી કરતા વાહનો
— જ્વલનશીલ પદાર્થ હોવા છતાં કાચું કાપતું તંત્ર
રાજ્યના માર્ગો ઉપર ગેસના સિલિન્ડર તથા ઓકસીનનના બોટલો ભરી જતા વાહનોમાંથી અનેક વખત બોટલો ગબડી પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હવે આ મામલે તંત્ર જરૂરી સુવિધા અને સુરક્ષા ઉભી કરે તેવી લોકમાંગ ઉઠી છે. જેમાં ખાસ કરીને ગેસ સિલિન્ડર જ્વલનશીલ પદાર્થ હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરતા જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન અહીં ઉદ્ભવે છે.
રસ્તાઓ ઉપર ગેસના સિલિન્ડર તથા ઓકસીનનના બોટલો ભરી જતા ટેમ્પો , પીકઅપ વાન, આઇશર ટેમ્પો સહિતના વાહનોથી સહુ કોઈ વાકેફ છે. આ પ્રકારના વાહનોમાં ફાયર એશિટગ્વિશર અથવા ફર્સ્ટ એઇડ સહિતની સુવિધાઓનો અભાવ જગ જાહેર છે. વાહનોમાં ઓવર લિમિટ જથ્થો મોટું જોખમ પણ ઉભું કરી શકે છે. સુરક્ષા સુવિધાની મોટી વાતો કરતું તંત્ર આ મામલે આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ જણાય છે. અગાઉ અનેક વખત આ પ્રકારના વાહનોમાંથી બાટલા પડી જવાના બનાવો સામે આવી ચુક્યા છે, ત્યારે તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે. તે સમજાતું નથી. અને હવે રાજમાર્ગો ઉપર બે રોકટોક દોડતા ગેસ અને ઓક્સિજનના બોટલો ભરેલવાહનો ચિંતાનો વિષય બન્યા છે. જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ છે. અત્રે નોંધનીય છે કે, આરટીઓ તથા પોલીસ તો ઠીક પરંતુ ફાયર એન ઓ સી વિના લાલઆંખ કરતું ફાયર વિભાગ પણ લોકોના જીવ સામે સવાલો ઉભા થાય તેવી આ જ્વલનશીલ પદાર્થની સુરક્ષા અને સુવિધામાં કાચું કાપતું નજરે ચડે છે.