ક્યાં સુધી રસ્તાઓ પર થીગડાં મારવા દેશી પદ્ધતિ અપનાવાશે ?

રસ્તાઓ પર પેચવર્કની કામગીરીમાં લાલીયાવાડીથી મોટું નુકશાન

રાજ્યમાં રસ્તાઓ પરના ખાડા પુરવા હજુ પણ દેશી પદ્ધતિ અપનાવામાં આવી રહી છે. પરંતુ , આ કામગીરી દરમ્યાન લાલીયાવાડી નજરે ચડતા સમય અને મેન પાવરના વ્યય સાથે સરકારી તિજોરીને લાંબા ગાળે મોટું નુકશાન પહોંચી રહ્યું છે. જેથી સરકાર આ બાબતે ચિંતિત બની જનતાના પરસેવાની કમાણીના  નાણાંનો દુરપયોગ થતો અટકાવવા ચોક્કસ નીતિ ઘડે તેવી લોકમાંગ ઉઠી છે.

રાજ્યમાં વરસાદ વરસવાની સાથે જ મોટાભાગના રસ્તાઓનું પણ ધોવાણ થતા રસ્તાઓ ખખડધજ બને છે. તો, ઘણા કીસ્સમાં રસ્તાઓ ટૂંક જ સમયમાં ખખડધજ બનતા ભ્રષ્ટાચારની ગંધ આવે છે. રસ્તાઓના ખાડા ટેકરાના કારણે અકસ્માતની સંભાવનાઓ વધવાની સાથે વાહનચાલકોને હેરાનગતિ વેઠવાનો વખત આવે છે.  તો બીજી તરફ તંત્ર પણ રસ્તાઓ પર પેચવર્કની કામગીરી હાથ ધરી સમસ્યાનું નિરાકરણ લાવે છે. પરંતુ આ નિરાકરણ ટેમ્પરરી કહી શકાય તેમ છે. કારણ કે, મોટાભાગે રસ્તાઓ પર પેચવર્કની  કામગીરી દરમ્યાન ચોક્કસ કાળજી રાખવામાં આવતી નથી. અને યોગ્ય પેચવર્ક ન તથા ગણતરીના દિવસોમાં પેચવર્કનો ભાગ પુનઃ તૂટવાનું શરુ થાય છે. અને ક્યાંક ખાડો અથવા ટેકરાનું દ્રશ્ય ઉભરી આવે છે, આમ, પેચવર્ક કામગીરીની સાંકળ ચાલ્યા કરતા સમય અને મેન પાવરનો વ્યય થવાની સાથે  સરકારી તિજોરી પર આર્થિક ભારણ આવે છે. જેમાં ખાસ કરીને આ કામગીરી અને ખર્ચનો ચોક્કસ રેકોર્ડ પણ મળી આવતો નથી. જે ખરેખર ચિંતાજનક બાબત છે. જયારે વિદેશમાં પેચવર્કની કામગીરી એટલી ઝીણવટભરી થતી હોય છે કે, કામગીરી જોતા જ પેચવર્કની ક્ષમતા અને આવરદા વધતા નુકશાનીથી બચી શકાય તેમ જણાય આવે છે.