વડોદરા મનપાના હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મમાં 1818.5 કરોડથી વધુના વિકાસ કામોને લીલીઝંડી

કોરોના યોદ્ધાના 21 પરિવારને પરિવાર દીઠ 25 લાખની સહાય ચૂકવી

ટ્રાફિક સરળતા માટે સર્કલોની સાઈઝ ઘટાડી , સયાજી બાગનું એવિયર આકર્ષણનું કેન્દ્ર


વડોદરા મનપાના મેયર સહિતના હોદ્દેદારોની સોમવારે અઢી વર્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. ત્યારે આ બોર્ડ દ્વારા પ્રાથમિક સુવિધા પાછળ 1818.5 કરોડથી વધુના કામોને મંજૂરી ઉપરાંત ટ્રાફિકમાં સરળતા હેતુ સર્કલોની સાઈઝ ઘટાડવા સાથે ખાસ કરીને કોરોના યોદ્ધા (કોરોનાકાળમાં મૃત્યુ પામનાર સફાઈ સેવક)ના 21 પરિવારને પરિવાર દીઠ 25 લાખની સહાય ચૂકવવામાં આવી છે.

રાજ્યમાં પ્રણાલીકા મુજબ હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે વડોદરા મનપાના મેયર ,ડેપ્યુટી મેયર ,ચેરમેન સહિતના હોદ્દેદારોની પણ સોમવારે ટર્મ પૂરી થઈ રહી છે. પાછલા બોર્ડની વિદાય સાથે તેમના વિકાસ કામોની ઝાંખીની વાત કરીએ, તો ડ્રેનેજ શાખાના 678.5 કરોડના કામો, બ્રિજ શાખાના 275 કરોડના કામો, એફોર્ડેબલ આવાસોના 288 કરોડના કામો, રોડ શાખાના 154 કરોડના કામો, સ્ટ્રીટ લાઈટ શાખાના 73 કરોડના કામો, બિલ્ડીંગ શાખાના 69 કરોડના કામો, વરસાદી ગટર શાખાના 32 કરોડના કામો અને તળાવ ડેવલપમેન્ટના 21 કરોડના કામોને લીલીઝંડી આપી છે. તેમજ ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પાણીગેટ તથા કિશનવાડીમાં નવું શાકમાર્કેટનું બનાવવામાં આવ્યું હતું. જ્યારે શહેરમાં રખડતા પશુઓના નિયંત્રણ માટે છેલ્લા અઢી વર્ષ દરમિયાન 10482 પશુઓને પકડી  કાયદાનું ઉલ્લંઘન કરનાર પશુપાલકો સામે 499 એફઆઇઆર સાથે 44.48 લાખના દંડની વસુલાત અને 16,502 પશુઓનું ટેગિંગ કરવામાં આવ્યું છે. જ્યારે 126 બાગ બગીચામાં વધુ 28ના ઉમેરા સાથે અન્ય 50 મિયાવાંકી પદ્ધતિ થકી વૃક્ષોના જતનનું આયોજન કરાયું છે. તેમજ સયાજીબાગનું નવું એવિયાર (પક્ષીઘર) આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને કોરોના યોદ્ધાઓના 21 પરિવારને 25- 25 લાખની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત 100 કરોડના બોન્ડના માધ્યમથી શાખમાં વધારો થયો છે. તથા ઓજી વિસ્તારમાં પાણી ,ડ્રેનેજ ,સ્ટ્રીટ લાઈટના અસંખ્ય કામો કેટલાક પૂર્ણ તો કેટલાક પ્રગતિ હેઠળ છે. શહેરમાં સીસીટીવી કેમેરામાં વધારો કરવા સાથે ઓનલાઇન સુવિધા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. નવી આકારણી ઊભી કરી આવકમાં વધારો કર્યો છે. પીએમ સ્વ નિધિ યોજના અંતર્ગત 23,000 લોકોને તેનો લાભ મળ્યો છે. તમામ 19 વોર્ડમાં આધાર કાર્ડની વ્યવસ્થા કાર્યરત થતા લોકોને સુવિધા મળી છે. ટ્રાફિકની સુચારૂ વ્યવસ્થા માટે 83 સર્કલો પૈકી કેટલાક સર્કલની સાઈઝ ઘટાડવા સાથે નવીનીકરણ અને સાર સંભાળ રહે તે માટે દાતાઓનો સંપર્ક પણ સાંધવામાં આવ્યો છે. અને મારી બીટ સ્વચ્છ બીટ , હર ઘર તિરંગા ,મેરી મિટ્ટી મેરા દેશ, હર ઘર યોગ -મન કી બાત સહિતના અભિયાનો હાથ ધરાયા હતા.