આવતી કાલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં હોદેદારોની વરણી

રાજકીય ખેમામાં કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાશે

આવતી કાલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં હોદેદારોની વરણી થવા પામશે. પરિણામે  રાજકીય ખેમામાં કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાશે. હોદાઓ મેળવવા માનતાઓ રાખવાની સાથે ગોડફાધરોની શરણે પહોંચ્યા બાદ હવે જે નામો ચર્ચામાં છે તેમની પસંદગી થાય છે કે પછી  કોથળામાંથી બિલાડું કહેવત સાર્થક બનશે તે જોવું રહ્યું.


9 સપ્ટેમ્બરના રોજ રાજ્યની મહાનગર પાલિકા , તાલુકા-જિલ્લા પંચાયતોના રાજકીય હોદેદારોની પ્રણાલિકા મુજબ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઇ ગઈ છે. અને હવે આવતીકાલે 10 સપ્ટેમ્બર સોમવારના રોજ નવા હોદેદારોની વરણી થશે.પાર્લામેન્ટરી બોર્ડની આ સંદર્ભની બેઠક ગતરોજ પૂર્ણ થતા અંદાજે 1500 જેટલા પદ ઉપર નવા હોદેદારોની યાદી બંધ કવરમાં રાખવામાં આવી છે. આવતીકાલે આ કવરો ખુલતાની સાથે જ નવા હોદેદારોની નિમણુંક થશે. આ સાથે હોદ્દેદારોના  ટેકેદારો આતશબાજી સાથે મોં મીઠું કરાવી ખુશી મનાવશે. જયારે ચર્ચામાં રહેલ નામોની કેટલાક કારણોસર બાદબાકી થતા પાર્ટીમાં  છૂપો રોષ પણ જોવા મળશે. આમ, આવતીકાલે રાજકીય ખેમામાં કહી ખુશી કહી ગમના દ્રશ્યો પણ જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે  મેયર, ડે. મેયર, સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન કે જિલ્લાના પ્રમુખો માટે નવા કાર્યકર્તાઓને તક આપવા નો રિપીટેશનનો નિર્ણય લીધો છે. પરંતુ, વિધાનસભાની ચૂંટણી દરમ્યાન વય બાધના નિયમોને લાગુ કર્યા બાદ ઘોળીને પી જવાનું જગ જાહેર છે.