તમાકુનું સેવન બંધ કરશો તો 'મોડું થઈ ગયું' શબ્દમાંથી મળશે મુક્તિ

Kalpesh Makwana /

- જાણો 'વિશ્વ તંબાકુ નિષેધ દિવસ'નો ઈતિહાસ અને તેનું મહત્વ

તંબાકુ અને ધૂમ્રપાનથી થતા નુકસાન પ્રત્યે જનતાને જાગૃત કરવાના હેતુથી દર વર્ષે 31 મે ના દિવસે વર્લ્ડ નો ટોબેકો ડે એટલે કે વિશ્વ તંબાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આનો મુખ્ય હેતુ તંબાકુથી થતા નુકસાનથી સામાન્ય લોકોને જાગૃત કરવાનો છે. વિશ્વ તંબાકુ નિષેધ દિવસના અવસરે દુનિયાભરમાં તંબાકુના સેવનને નાબૂદ કરવા માટે ઘણા પ્રકારના આયોજન થાય છે. જેના હેઠળ જનતાને તંબાકુથી આરોગ્ય સંબંધિત નુકસાન વિશે જાગૃત કરવામાં આવે છે. તંબાકુ જનિત રોગોથી દર વર્ષે લાખો લોકોના મોત નીપજે છે. WHO અનુસાર વિશ્વમાં લગભગ 80 લાખ લોકો તંબાકુના સેવનથી થતી બીમારીઓના કારણે પોતાનો જીવ ગુમાવી દે છે. પહેલા તંબાકુ નિષેધ દિવસ 7 એપ્રિલે વિશ્વભરમાં મનાવવામાં આવતો હતો જે બાદ 1988માં WHOની તરફથી એક પ્રસ્તાવ બાદ આને 31 મે એ મનાવવાની મંજૂરી આપવામાં આવી. જે બાદથી દર વર્ષે તંબાકુ નિષેધ દિવસ 31 મે એ જ મનાવવામાં આવી રહ્યો છે.

- તમાકુના સેવનથી અનેક પ્રકારના કેન્સરને નોતરું

વિશ્વ તંબાકુ નિષેધ દિવસ પર માત્ર તંબાકુ જ નહીં પરંતુ તંબાકુ અને નિકોટીન યુક્ત ઉત્પાદન જેમ કે બીડી, ગુટખા અને સિગારેટના ઉપયોગથી થતી બીમારીઓ વિશે અવગત કરાવવામાં આવે છે. તંબાકુના વધુ સેવન અને વધુ ધૂમ્રપાનથી કેન્સર જેવી જીવલેણ બીમારી શરીરને જકડી લે છે જેના કારણે થતા મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. તંબાકુના સેવનથી મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર, ફેફસાનું કેન્સર, અન્નનળીનું સંક્રમણ, મૂત્રાશયનું કેન્સર, આંતરડાનું કેન્સર, કિડનીનું કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર અને સર્વિક્સનું કેન્સરનું જોખમ વધી જાય છે. તંબાકુના સેવનથી શ્વાસ સંબંધિત બીમારીઓ જેમ કે શ્વાસનળીનો સોજો અને ઈમ્ફસિયાનું જોખમ વધે છે એટલુ જ નહીં તંબાકુના સતત સેવનથી હૃદય અને લોહી સંબંધિત બીમારીઓ ઝડપથી શરીરને જકડી લે છે.

- સૌથી ગંભીર અને વધુમાં વધુ જોવા મળતી સમસ્યા “ઓરલ કેન્સર”

તમાકુ નિષેધ માટે જનજાગૃતિ હેતુ આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે, પરતું ખરેખર તો આવા માદક પદાર્થોના નિષેધ માટે કોઈ પણ નિશ્ચિત્ત દિવસ હોતો નથી. કોઈ પણ વ્યક્તિ ઈચ્છે ત્યારે તેને બંધ કરી શકે છે બસ આ માટે જે તે વ્યક્તિએ પોતાનું મન મક્કમ કરવાની આવશ્યક્તા છે. તમાકુની ખરાબ અસર મુખ્યત્વે ઉધરસ અને ગાળામાં બળતરાની સાથે શરૂ થાય છે અને સમય જતાં તે હદય રોગ, શ્વાસનળીનો સોજો, ન્યુમોનિયા સ્ટ્રોક અને ઘણા પ્રકારનાં કેન્સર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ સહિત વધુ ગંભીર પરિસ્થિતી પણ સર્જી શકે છે જેમાં સૌથી ગંભીર અને વધુમાં વધુ જોવા મળતી સમસ્યા ઓરલ કેન્સર ( માઉથ કેન્સર ) છે.

- માદક દ્રવ્યોના સેવનનું આદિ થઇ એ સમસ્યાનો હલ નથી

ધુમ્રપાનની સમસ્યાની વાત કરીએ તો તે મુખ્યત્વે મેટ્રો સિટીમાં(શહેરોમાં) વધારે જોવા મળે છે તેની પાછળ મેટ્રો સિટિનું(શહેરોનું) વ્યસ્ત જીવન, સતત ચાલતું અને દોડધામ કરતું શરીર અને મન ને લાગતો માનસિક થાક જવાબદાર છે. વધતી જતી હરિફાઈમાં વ્યક્તિ પર સતત ને સતત કામનું દબાણ રહેવાનું એ સ્વાભાવિક છે પરંતુ તેના કારણે માદક દ્રવ્યોના સેવનનું આદિ થઇ જવું એ કોઈ સમસ્યાનો હલ ન કહી શકાય. જો તમાકુનાં સેવનની આદતો હશે તો તે ફેફસા માટે હાનિકારક બનશે અને તેનાથી મૃત્યુ પણ નીપજી શકે છે. અહીં ક્યારેક એ સવાલ પણ પેદા થાય છે કે ભારત જેવા દેશમાં જ્યાં તમાકુ,સીગારેટ ના પેકિંગ પર જ તેના ઉપભોગ કર્યા પછીના પરિણામો દર્શાવેલ હોય છે અને કોઈ ફિલ્મ બતાવતા પહેલા પણ વ્યસન નિષેધ જાગૃતિના વિજ્ઞાપનો દર્શાવાય છે છતાં પણ દેશમાં મોટા ભાગે લોકો કોઈ ને કોઈ વ્યસન નો શિકાર થતા જ હોય છે.

-   યુવાનોને આકર્ષતી આકર્ષક ડિઝાઇનવાળી ઈ-સિગારેટ

આ વર્ષની થીમ, "Protecting children from tobacco industry interference" તમાકુના ઉપયોગ સામેની લડતમાં ખૂબ મહત્વ ધરાવે છે.  આજે, ઉદ્યોગ સોશિયલ મીડિયા અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની વ્યાપકતાનો ઉપયોગ કરે છે, સૂક્ષ્મ બ્રાન્ડ સંકેતો અને પ્રભાવશાળી માર્કેટિંગ સાથે સામગ્રી બનાવે છે જે તમાકુના ઉપયોગને ગ્લેમરાઇઝ કરે છે. કેન્ડી જેવા નામો અને આકર્ષક ડિઝાઇનવાળી ફ્લેવર્ડ ઈ-સિગારેટ ખાસ કરીને યુવાનોને આકર્ષવા માટે બનાવવામાં આવી છે. વૈશ્વિક સર્વેક્ષણો દર્શાવે છે કે 13-15 વર્ષની વયના કિશોરોમાં તમાકુ અને નિકોટિન ઉત્પાદનનો ઉપયોગ વધતો જાય છે.

-  તમાકુનું વ્યસન સદીની સૌથી મોટી મહામારી કોરોનાથી પણ વધુ ખતરનાક

તમાકુનું સેવન કરવાથી આપણા સૌના જીવનમાં કેટલી ખરાબ અસર થાય છે તે આપણે સૌ જાણીએ જ છીએ,તેમ છતાં તેનો ઉપયોગકર્તા લોકોની સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ તમાકુનું વ્યસન એ સદીની સૌથી મોટી મહામારી કોરોના કરતા પણ વધુ ખતરનાક છે. ભારતમાં રોજના હજારો લોકો તમાકુના વ્યસનથી થતી કેન્સર સહિતની અલગ-અલગ બીમારીઓના કારણે મોતને ભેટે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડેટા મુજબ, ભારતમાં 30 ટકા કેન્સર માત્ર તમાકુના સેવનથી થાય છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે તમાકુનો શિકાર 12થી 17 વર્ષની વયના સગીર વધુ થાય છે. વેસ્ટર્ન કલ્ચર અને ફિલ્મોનું આંધળું અનુકરણ જેવા કારણોસર સગીર વયે વ્યક્તિ વિવિધ વ્યસનોનો શિકાર બને છે.

- તમાકુ સેવનકર્તા પોતાનું જ નહિ, પરંતુ આખા પરિવારનું જીવન બરબાદ કરે છે

તમાકુના ઉપયોગના જોખમો વિશે મિત્રો અને પરિવાર સાથે વાત કરવી જોઈએ. જો તેઓ ધૂમ્રપાન કરતા હોય તો તેમને ધૂમ્રપાન છોડવા માટે પ્રોત્સાહિત કરી તેમને છોડવામાં મદદ કરવી જોઈએ. આ ઉપરાંત તમાકુનું સેવન છોડાવવા માટે નજીકના મેડિકલ સેન્ટર્સ પર મનોચિકિત્સકની મદદ પણ લઈ શકાય છે. તમાકુ સેવનકર્તા વ્યક્તિ તેનું પોતાનું જ નહિ, પરંતુ તેના આખા પરિવારનું જીવન બરબાદ કરે છે. જે બાબત કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ હાલ અનુભવી રહ્યા છે. જો કે તેમના માટે હવે 'મોડું થઈ ગયું' છે. 'જાગ્યા ત્યારથી સવાર સમજી'ને આજથી જ બને તેટલું વહેલા તમાકુનું સેવન બંધ કરશો તો કદાચ 'મોડું થઈ ગયું' શબ્દ સાંભળવામાંથી તમને મુક્તિ મળી જશે.

- તમાકુના સેવનની લત ઓછી અને ધીમે ધીમે બંધ કરી શકાય

તમાકુનું અથવા તો કોઈપણ વ્યસન છોડવા માટે વ્યક્તિનું મન મક્કમ હોવું ખૂબ જ જરૂરી છે. વ્યાયામ,કસરત કરવાથી તમાકુના વ્યસનમાંથી મુક્તિ મળે છે. ચાલવા જવું, નિયમિત દોડવું, સાઇકલ ચલાવવી જેવી સરળ કસરત કરવાથી તમાકુના સેવનની લત ઓછી અને ધીમે ધીમે બંધ કરી શકાય છે. મગજને વધુને વધુ અન્ય દિશા તરફ વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરવાથી વ્યસનને ભૂલી શકાય.