ડભોઈના ચણોદ રેલવે સ્ટેશન પાસે ટ્રેન અડફેટે આવી જતા વૃદ્ધનું મોત
By Our Vadodara
Published

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે વૃદ્ધનું મોત થયું છે. મોરિયા અને ચાંદોદ રેલ્વે સ્ટેશન વચ્ચેના રેલ્વે ટ્રેક પર થાંભલા નંબર 19/18 પાસે એક અજાણ્યા વૃદ્ધ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે ચણોદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે. એકતાનગર(સ્ટેચ્યુ ઓફ યુનિટી)થી અમદાવાદ જતી (ટ્રેન નંબર-20950) અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન ચણોદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અંદાજે 60 વર્ષની વયના અજાણ્યા વૃદ્ધને ટ્રેનની જોરદાર ટક્કર વાગતાં તે ફંગોળાઈ ગયા હતા. ટક્કરની તીવ્રતા એટલી હતી કે, વૃદ્ધને મોઢાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી અને તેનો ડાબો પગ કપાઈ જવાને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.