અમદાવાદમાં હચમચાવનારી ઘટના: કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીની હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવ્યું
By Our Vadodara
Published

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ NRI ટાવરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા તેમજ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વર્ગ-1ના અધિકારી યશરાજસિંહ ગોહિલે આત્મઘાતી પગલું ભર્યું છે. માત્ર બે મહિના પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલા દંપતી વચ્ચે બુધવારે રાત્રે કોઈ અગમ્ય કારણોસર તકરાર થઈ હતી, જેના પરિણામે આવેશમાં આવી યશરાજસિંહે પોતાની લાયસન્સી બંદૂકથી પત્ની રાજેશ્વરીની ગોળી મારી હત્યા કરી હતી. પત્નીના મૃત્યુની જાણ થતાં જ ગ્લાનિમાં ડૂબેલા અધિકારીએ પણ તે જ હથિયારથી સ્વયંને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચ અને વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઊંડી તપાસ ચલાવી રહી છે, પરંતુ એક હસતા-રમતા રાજવી પરિવારના નબીરાના આવા કરુણ અંતથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.