અમદાવાદમાં કુપોષણ સામે રણશિંગુ!

By Our Vadodara

Published

અમદાવાદમાં કુપોષણ સામે રણશિંગુ!

‘શોભા વંદના ફાઉન્ડેશન’ દ્વારા 1350 બાળકોને દત્તક લઈ નવજીવન આપવાનો ભગીરથ પ્રયાસ

‘પ્રોજેક્ટ વાત્સલ્ય’ અને ‘સુપોષિત ભગીની’ અભિયાન હેઠળ 27,00થી વધુ પરિવારો સુધી પહોંચીને માતૃ અને બાળ આરોગ્ય સુનિશ્ચિત કરતી અનોખી પહેલ

બાળપણ એ દરેક માનવજીવનનો પાયો છે, પરંતુ જો એ પાયો જ કુપોષણથી નબળો રહી જાય તો ભવિષ્ય ધૂંધળું બની જતું હોય છે. કુપોષણમુક્ત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં કાર્યરત ‘શોભા વંદના ફાઉન્ડેશન’ દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને માનવતાવાદી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 1350 જેટલા અત્યંત કુપોષિત બાળકોને દત્તક લઈ તેમના પોષણ, લાલન-પાલન અને સારવારની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવામાં આવી છે.

કુપોષિત બાળકોમાં 68% વધુ જોખમ

તબીબી સંશોધનો અને ફાઉન્ડેશનના તારણો મુજબ, સામાન્ય અને સ્વસ્થ બાળકોની તુલનામાં કુપોષિત બાળકોમાં ટીબી અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ 68 ટકા વધુ હોય છે. આ ભયાનક વાસ્તવિકતા સામે લડવા માટે સંસ્થાએ ઝૂંબેશ શરૂ કરી છે.

એક નાનકડા વિચારથી શરૂ થયેલી સ્નેહયાત્રા

વર્ષ 2022માં ફાઉન્ડેશનના સ્થાપક અર્પિતા શાહ દ્વારા સ્લમ વિસ્તારોની મુલાકાત દરમિયાન કુપોષણની ગંભીર પરિસ્થિતિ જોવામાં આવી હતી. આ બાળકોની દયનીય સ્થિતિ અને તેમની રોગપ્રતિકારક શક્તિના અભાવને કારણે થતી બીમારીઓ જોઈને તેમણે ‘પ્રોજેક્ટ વાત્સલ્ય’નો પાયો નાખ્યો. 4 વર્ષ અગાઉ મનમાં અંકુરિત થયેલો એક નાનકડો વિચાર આજે હજારો બાળકો માટે વટવૃક્ષ બની ચૂક્યો છે.

‘પ્રોજેક્ટ વાત્સલ્ય’ અને ‘સુપોષિત ભગીની’ પહેલ

ફાઉન્ડેશન દ્વારા મુખ્યત્વે બે મહત્વપૂર્ણ ઉપક્રમો ચલાવવામાં આવી રહ્યા છે:

1) પ્રોજેક્ટ વાત્સલ્ય: આ પ્રોજેક્ટ અંતર્ગત 7,000થી વધુ બાળકોનું પ્રાથમિક સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. તેમાંથી 1,350 અતિ કુપોષિત બાળકોની પસંદગી કરીને તેમને દત્તક લેવામાં આવ્યા છે અને તેમના સંપૂર્ણ પોષણ અને આરોગ્યની જવાબદારી સંસ્થા નિભાવી રહી છે.

2) સુપોષિત ભગીની: બાળકના જન્મ અગાઉ અને જન્મ પછી માતાનું આરોગ્ય ઉત્તમ રહે તે માટે આ જાગૃતિ અભિયાન ચલાવાય છે. જેમાં ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને જરૂરી પોષણ આહાર, માર્ગદર્શન અને તબીબી સહાય પૂરી પાડવામાં આવે છે.

ગ્રાઉન્ડ લેવલ પર સંકલિત કામગીરી

આ અભિયાનને સફળ બનાવવા માટે સંસ્થા માત્ર કાગળ પર નહીં પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સક્રિય છે. અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારો જેવા કે રામદેવનગર, આસારવા, જૂના વાડજ, નવા વાડજ, ગણેશનગર, વાસણા અને કલોલ વગેરે ક્ષેત્રોમાં આવેલી 200થી વધુ આંગણવાડીઓ સાથે સીધું સંકલન સાધીને જરૂરિયાતમંદ બાળકો સુધી પોષણક્ષમ આહાર પહોંચાડવામાં આવી રહ્યો છે.

અત્યાર સુધીમાં આ ફાઉન્ડેશન 27,000થી વધુ પરિવારો સુધી પહોંચીને માતૃ અને બાળ આરોગ્યની સુધારેલી સેવાઓ પહોંચાડી ચૂક્યું છે. શોભા વંદના ફાઉન્ડેશનની આ નમૂનારૂપ કામગીરી સમાજ માટે એક ઉત્તમ પ્રેરણાસ્ત્રોત બની છે.

Browse all news articles