પઠાણ અને પ્લોટ! વડોદરા ભાજપ માટે 'ગળાનું હાડકું' બનતો જતો વિવાદ
By Our Vadodara
Published
જેવા પઠાણના રાજકીય સૂર બદલાયા તેવા ભાજપની ચાલ બદલાઈ!?
સંસ્કારી નગરી વડોદરાના રાજકારણમાં અત્યારે એક જ શબ્દની ગુંજી રહ્યો છે 'પઠાણ અને પ્લોટ'.વડોદરા મહાનગરપાલિકા (VMC) ની સામાન્ય સભામાં બહુમતીના જોરે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને તાંદલજા વિસ્તારમાં આવેલો ૯૭૮ ચોરસ મીટરનો કિંમતી પ્લોટ ફાળવવાની દરખાસ્ત મંજૂર તો કરી દેવામાં આવી છે પરંતુ આ નિર્ણયે વડોદરા ભાજપ માટે 'આ બેલ મુઝે માર' જેવી સ્થિતિ ઊભી કરી છે જે જમીન પર ગેરકાયદે કબજા બદલ ખુદ પાલિકાએ નોટિસ ફટકારી હતી અને હાઈકોર્ટે પણ જે અરજી ફગાવી દીધી હતી તે જમીન પર હવે 'મફત અને રાહત દરે' ફાળવણીની મહોર વાગતાં ભાજપના પોતાના જ કાર્યકરો અને સામાન્ય જનતામાં અંદરખાને કચવાટ શરૂ થયો છે.આવનારા સમયમાં આ મુદ્દો વડોદરા ભાજપ માટે કેમ સૌથી મોટો માથાનો દુખાવો બની શકે છે કે કેમ? તેના પર એક નજર કરીએ.
-- ૨૦૨૪ની 'નોટિસ' અને ૨૦૨૬ની 'ખેરાત' જનતાને ગળે ન ઉતરતું ગણિત!
આ વિવાદના મૂળ ૨૦૧૨માં નખાયા હતા જ્યારે યુસુફ પઠાણે પોતાના ઘરની બાજુનો પ્લોટ માંગ્યો હતો.૨૦૧૪માં રાજ્ય સરકારે જાહેર હરાજી વિના જમીન આપવાની ના પાડી દીધી હતી ત્યારબાદ ૧૦ વર્ષ સુધી મામલો શાંત રહ્યો પરંતુ જૂન ૨૦૨૪માં જેવા યુસુફ પઠાણ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની ટિકિટ પર સાંસદ બન્યા તેવા જ VMC એ તેમને જમીન ખાલી કરવાની નોટિસ પકડાવી દીધી.હવે ૨૦૨૬માં જેવા પઠાણના રાજકીય સૂર બદલાયા અને તેઓ TMC થી અલગ થઈ NDA ની નજીક આવ્યા કે તરત જ વહીવટી તંત્રનો 'પ્રેમ' ઉભરાઈ આવ્યો! અંદાજે ₹૨૦.૫૩ કરોડ ની બજાર કિંમત ધરાવતા આ પ્લોટમાંથી ૫૦૦ ચો.મી. જમીન તદ્દન મફત અને બાકીની ૪૭૮ ચો.મી. જમીન બજાર ભાવના માત્ર ૫૫% કિંમતે આપવાના નિર્ણયે વિપક્ષના એ આક્ષેપને બળ આપ્યું છે કે ભાજપ માટે કાયદા અને નિયમો વ્યક્તિ અને પક્ષ જોઈને બદલાય છે.
-- સામાન્ય વડોદરાવાસીની પીડા: 'ઝૂંપડપટ્ટી પર બુલડોઝર અને સેલિબ્રિટીને પ્લોટ?'
વડોદરાના સામાન્ય કરદાતાના મનમાં અત્યારે સૌથી તીખો સવાલ એ છે કે જો કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો માણસ પાલિકાની જમીન પર બે ફૂટનું પણ દબાણ કરે તો VMC નું બુલડોઝર ગણતરીના કલાકોમાં પહોંચી જાય છે બીજી તરફ જે જમીન પર ૧૨ વર્ષથી કબજો હોવાના આક્ષેપ હતા અને ગુજરાત હાઈકોર્ટે પણ ૨૦૨૫માં સ્પષ્ટ કહ્યું હતું કે 'લાંબા સમયના કબજાથી કોઈ કાયદેસરનો હક ઊભો થતો નથી' તે જમીન કોઈ પણ દંડ વસૂલ્યા વિના ભેટમાં આપી દેવામાં આવી! વડોદરાના હરણી બોટ કાંડના પીડિત પરિવારોને વળતર આપવાની દરખાસ્ત નામંજૂર કરનાર શાસકો જ્યારે એક સેલિબ્રિટી માટે કરોડોની જમીન જતી કરે ત્યારે જનતાનો રોષ ફાટી નીકળવો સ્વાભાવિક છે.
-- હિન્દુત્વની પ્રયોગશાળામાં ભાજપનું આ 'બેલ મુઝે માર'!
વડોદરા ભાજપની રાજનીતિ હંમેશા હિન્દુત્વ અને અશાંત ધારા (Disturbed Areas Act) ના કડક અમલની આસપાસ ફરતી રહી છે ભાજપની પોતાની જ કોર વોટબેંક અને હિન્દુત્વવાદી કાર્યકરો આ નિર્ણયથી અસહજ અનુભવી રહ્યા છે ત્યારે ચૂંટણી સમયે ભાજપના નેતાઓ માટે આનો જવાબ આપવો લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થશે.
-- કોંગ્રેસને બેઠા બેઠા મળી ગયું 'બ્રહ્માસ્ત્ર'
વડોદરામાં વર્ષોથી નિષ્ક્રિય અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસને આ વિવાદે નવું જીવતદાન આપ્યું છે. સામાન્ય સભામાં 'પઠાણી પહેરવેશ' પહેરીને વિરોધ કરવો હોય કે રસ્તા પર ઉતરીને અટકાયત વહોરવી હોય કોંગ્રેસ આ મુદ્દાને હવે ગલી-મહોલ્લા સુધી લઈ જવાની તૈયારીમાં છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આને રાજ્યવ્યાપી આંદોલન બનાવવાની ચીમકી આપી છે અને કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે ફરી કોર્ટના દ્વાર ખટખટાવવાની જાહેરાત કરી છે. આગામી સમયમાં શું થશે? હાલ સત્તાના જોરે સામાન્ય સભામાં દરખાસ્ત તો પાસ થઈ ગઈ છે પરંતુ રાજકારણમાં દરેક નિર્ણયની એક કિંમત ચૂકવવી પડે છે. વડોદરાના રસ્તાઓ, ખાડા, પૂરની સમસ્યા અને ટ્રાફિકથી ત્રસ્ત પ્રજા હવે દરેક નાના-મોટા મુદ્દે ભાજપને આ '₹૨૦ કરોડના પ્લોટ' નો અરીસો બતાવશે. જો સમયસર ડેમેજ કંટ્રોલ કરવામાં નહીં આવે તો યુસુફ પઠાણનો આ પ્લોટ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વડોદરા ભાજપ માટે સૌથી મોટો 'સેલ્ફ ગોલ' સાબિત થઈ શકે છે.
આ આખા વિવાદમાં તમારું શું માનવું છે કોમેન્ટ કરી તમારો મત વ્યક્ત કરો!