ન કોઈ OTP આપ્યો, ન કોઈ બેંકની વિગત શેર કરી... છતાં માત્ર ૧૫ મિનિટમાં ખાતાની સફાઈ!
By Our Vadodara
Published
આપણે અત્યાર સુધી એવું જ માનતા આવ્યા છીએ કે જ્યાં સુધી આપણે કોઈને આપણો OTP (વન ટાઈમ પાસવર્ડ),એટીએમ પિન કે બેંકની ગુપ્ત વિગતો ન આપીએ ત્યાં સુધી આપણા બેંક ખાતામાંથી એક રૂપિયો પણ ઉપડી શકતો નથી પરંતુ સાયબર માફિયાઓએ હવે આ ભ્રમ પણ તોડી નાખ્યો છે! વડોદરા જિલ્લાના પોર ગામમાંથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેણે દરેક સ્માર્ટફોન અને UPI યુઝરના હોશ ઉડાવી દીધા છે.
-- કેવી રીતે બની આ ચોંકાવનારી ઘટના?
વડોદરા નજીક આવેલા પોર ગામની ગોવિંદપાર્ક સોસાયટીમાં રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૪૫ વર્ષીય અમૃતભાઈ દિલીપભાઈ બેહેર સાયબર ઠગોની આ હાઈટેક જાળનો શિકાર બન્યા છે. ગત ૨૩ ઓક્ટોબર ના રોજ સાંજે ૪:૦૦ થી ૪:૧૫ વાગ્યાના અરસામાં એટલે કે માત્ર ૧૫ જ મિનિટના ટૂંકા ગાળામાં અજાણ્યા સાયબર ગઠિયાઓએ અમૃતભાઈનો મોબાઈલ ફોન હેક કરી લીધો હતો તેમની બેંક ઓફ બરોડા (પોર શાખા) ના ખાતામાંથી ત્રણ અલગ-અલગ UPI ટ્રાન્ઝેક્શન મારફતે પરસેવાની કમાણીના કુલ ₹૧,૫૨,૦૦૦ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ટ્રાન્ઝેક્શન ₹૭૫,૦૦૦, બીજું ટ્રાન્ઝેક્શન ₹૭૩,૦૦૦ અને ત્રીજું ટ્રાન્ઝેક્શન ₹૪,૦૦૦નું રહ્યું હતું આમાં સાઇબર ઠગોએ માત્ર 15 મિનિટમાં ખાતાની સફાઈ કરી દીધી હતી.
-- સૌથી મોટો આંચકો: ન કોઈ કોલ આવ્યો, ન કોઈ OTP ગયો!
આ ઘટનામાં સૌથી વધુ ડરામણી અને ચિંતાજનક બાબત એ છે કે અમૃતભાઈએ કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે પોતાનો OTP કે બેંક ખાતા સંબંધિત કોઈ પણ માહિતી શેર કરી નહોતી તેમ છતાં મોબાઈલ પર મેસેજ આવતા જ ખાતામાંથી આટલી મોટી રકમ ડેબિટ થઈ ગઈ હોવાનું જાણી તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.મોબાઈલ હેકિંગ (APK ફાઈલ કે માલવેર લિંક) દ્વારા ગઠિયાઓએ તેમના ફોનનો કંટ્રોલ મેળવીને આ સમગ્ર કૌભાંડને અંજામ આપ્યો હોવાની આશંકા છે.
-- પોલીસ તપાસ અને સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ
છેતરપિંડીનો અહેસાસ થતાં જ અમૃતભાઈએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર પોતાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વરણામા પોલીસે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર ઠગોના પગેરું સુધી પહોંચવા કમર કસી છે.
-- તમારી મહેનતની કમાણી બચાવવા આટલી સાવચેતી અચૂક રાખો
1, અજાણી APK ફાઈલ ડાઉનલોડ ન કરો: WhatsApp કે SMS પર આવતી કોઈ પણ અજાણી લિંક, લગ્નની કંકોત્રી કે કુરિયર અપડેટના નામે આવતી ફાઈલ ક્યારેય ઇન્સ્ટોલ ન કરો.
2, ફોનનું સ્ક્રીન શેરિંગ બંધ રાખો: કોઈ અજાણી એપને તમારા SMS અને કોન્ટેક્ટ્સ વાંચવાની પરવાનગી (Permission) ન આપો.
3, તત્કાલ ૧૯૩૦ પર કોલ કરો: જો તમારી સાથે કોઈ પણ પ્રકારની સાયબર ઠગાઈ થાય, તો 'ગોલ્ડન અવર' એટલે કે પહેલા એક કલાકમાં જ ૧૯૩૦ પર કોલ કરીને તમારું ખાતું ફ્રીઝ કરાવો.
આ સમાચાર વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી કોઈ અન્ય નિર્દોષ વ્યક્તિની જીવનભરની બચત આ રીતે લૂંટાઈ ન જાય!