સોનું ખરીદવાની રાહ જોઈ રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે છે!
By Our Vadodara
Published
લગ્નસરાની ખરીદી હોય કે રોકાણ માટે સોનું-ચાંદી લેવાની યોજના, કિંમતી ધાતુઓના બજારમાં અચાનક આવેલા ઘટાડાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક સમયે આસમાને પહોંચેલા સોના-ચાંદીના ભાવ હવે સતત ગગડી રહ્યા છે. જાણે ભાવની દોડમાં અચાનક બ્રેક લાગી હોય તેમ બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
21 નવેમ્બર, 2026ના રોજ સોનાના ભાવમાં એક જ દિવસમાં પ્રતિ 10 ગ્રામ ₹5,200નો ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદી પણ પ્રતિ કિલોગ્રામ ₹4,000 સસ્તી થઈ છે પરિણામે સોનું ₹1.30 લાખની નીચે અને ચાંદી ₹1.60 લાખની નીચે આવી ગઈ છે.
-- 9 દિવસમાં સોનામાં ₹17,600નો ઘટાડો!
સોનાના ભાવમાં સતત નવ ટ્રેડિંગ સેશનથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. 9 નવેમ્બરના રોજ પ્રતિ 10 ગ્રામ ₹1,46,900નો ભાવ ધરાવતું સોનું હવે ₹1,29,300 પર આવી ગયું છે. એટલે કે માત્ર નવ ટ્રેડિંગ સેશનમાં ₹17,600નો ઘટાડો! આ વર્ષે જાન્યુઆરીના અંતે ₹1.83 લાખની ઐતિહાસિક સપાટીએ પહોંચેલું સોનું હવે ત્યાંથી ઘણું નીચે ઉતરી ગયું છે.
-- ચાંદીની ચમક પણ ફિક્કી પડી!
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે. 5 નવેમ્બરે પ્રતિ કિલોગ્રામ ₹1,94,500ની સપાટીએ રહેલી ચાંદી 21 નવેમ્બરે ઘટીને ₹1,58,000 પર પહોંચી છે. એટલે કે આશરે 16 દિવસમાં ₹36,500નો ઘટાડો થયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં ₹4.04 લાખની વિક્રમી સપાટીએ પહોંચેલી ચાંદીમાં ત્યારથી નોંધપાત્ર ઘટાડો થયો છે.
-- અમદાવાદથી મુંબઈ સુધી શું છે સોનાના ભાવ?
ગુડરિટર્ન્સના જણાવ્યા અનુસાર વિવિધ શહેરોમાં 24 અને 22 કેરેટ સોનાના ભાવ આ પ્રમાણે છે:
* દિલ્હી: ₹1,25,230 અને ₹1,14,800
* મુંબઈ: ₹1,25,080 અને ₹1,14,650
* કોલકાતા: ₹1,25,080 અને ₹1,14,650
* ચેન્નઈ: ₹1,25,080 અને ₹1,14,650
* અમદાવાદ: ₹1,25,130 અને ₹1,14,700
* સુરત: ₹1,25,130 અને ₹1,14,650
(ભાવ પ્રતિ 10 ગ્રામમાં છે.)
-- આખરે ભાવ કેમ ઘટી રહ્યા છે?
આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત બનતો અમેરિકી ડોલર, સરકારી બોન્ડનું વધતું વળતર અને અમેરિકામાં વ્યાજદર વધવાની શક્યતાઓએ સોના-ચાંદી પર દબાણ ઊભું કર્યું છે. રોકાણકારો હવે કિંમતી ધાતુઓની જગ્યાએ અન્ય રોકાણ વિકલ્પો તરફ વળી રહ્યા છે. ભારતીય રૂપિયાની સ્થિતિએ પણ સ્થાનિક બજારમાં સોનાના ભાવને અસર કરી છે.
હવે સૌની નજર 9 ડિસેમ્બરે યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક પર છે. વ્યાજદર અંગેના નિર્ણયથી કિંમતી ધાતુઓના ભાવમાં ફરી ઉથલપાથલ થઈ શકે છે.
એક તરફ સસ્તા થતા ભાવથી ખરીદદારોમાં ખુશીની આશા, તો બીજી તરફ રોકાણકારોમાં બજારની આગામી ચાલને લઈને ચિંતા!
શું આ સોનું-ચાંદી ખરીદવાની તક છે કે હજુ ભાવ ઘટવાની રાહ જોવી જોઈએ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો!