બાળકોને મોબાઈલની 'લત' લગાડવી ભારે પડી! YouTubeને ₹ 25000કરોડનું સંકટ!
By Our Vadodara
Published
અમેરિકામાં ૩ અબજ ડોલરના સમાધાનની તૈયારી!
ટેક-હેલ્થ સ્પેશિયલ – ડિજિટલ યુગ અને બાળકોનું માનસિક સ્વાસ્થ્ય
આજના ડિજિટલ યુગમાં દરેક માતા-પિતાની સૌથી મોટી ચિંતા એક જ છે "મારું બાળક કલાકો સુધી મોબાઈલમાં YouTube વીડિયો જોયા કરે છે, તેનો સ્ક્રીન ટાઈમ કેવી રીતે ઘટાડવો?"
બાળકોને સ્ક્રીન સાથે ચોંટાડી રાખતી આ 'ડિજિટલ જાળ' હવે દુનિયાના સૌથી મોટા વીડિયો પ્લેટફોર્મ YouTube ને જ ભારે પડી ગઈ છે!
અમેરિકામાં બાળકો અને કિશોરોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાના ગંભીર આક્ષેપો વચ્ચે, ગૂગલની કંપની YouTube અમેરિકન સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સ સાથે આશરે ૩ અબજ ડોલર (ભારતીય ચલણમાં ₹25000 કરોડથી વધુના પ્રસ્તાવિત સમાધાન (Settlement) માટે સંમત થઈ હોવાના અહેવાલોએ ટેક જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.
-- શું છે આખો વિવાદ? 'ઓટોપ્લે' અને 'અલ્ગોરિધમ' પર સવાલ!
અમેરિકાના અનેક સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સે કોર્ટમાં એવો ગંભીર આરોપ લગાવ્યો છે કે YouTube ની ડિઝાઇન જાણીજોઈને એવી બનાવવામાં આવી છે કે બાળકો અને કિશોરો કલાકો સુધી વીડિયો જોતા રહે અને પ્લેટફોર્મ છોડી ન શકે.
1, રિકમેન્ડેશન અલ્ગોરિધમ: બાળકની પસંદ મુજબ સતત નવા વીડિયો સામે ધકેલતું રહેવું.
2, ઓટોપ્લે (Autoplay) ફીચર: એક વીડિયો પૂરો થાય કે તરત જ બીજો વીડિયો આપમેળે શરૂ થઈ જવો, જેના કારણે બાળકો માટે મોબાઈલ મૂકવો અશક્ય બની જાય છે.
શાળાઓનો દાવો છે કે આ આદતને કારણે વિદ્યાર્થીઓમાં ચિંતા (Anxiety), ડિપ્રેશન, ઊંઘની કમી અને ખાવા-પીવાની અનિયમિત આદતો જેવી ગંભીર માનસિક સમસ્યાઓ વધી છે. શાળાઓએ મોબાઈલ પર પ્રતિબંધ મૂકવા છતાં બાળકોના કાઉન્સેલિંગ અને નિષ્ણાતો પાછળ શાળા જિલ્લાઓનો ખર્ચ અસહ્ય રીતે વધી ગયો છે.
-- સમાધાનમાં શું છે ખાસ? કોર્ટની મંજૂરી પર સૌની નજર
આ પ્રસ્તાવિત કરારમાં માત્ર ₹25000 કરોડની જંગી ચૂકવણી જ નહીં, પરંતુ કિશોરોની ઓનલાઈન સુરક્ષા વધારવા માટે પ્લેટફોર્મની ડિઝાઇનમાં વધારાના સુરક્ષાત્મક ફેરફારો કરવાની શરત પણ સામેલ છે જોકે આ રકમ હજુ ચૂકવાઈ નથી.કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં કેસની સુનાવણી કરી રહેલા યુએસ ડિસ્ટ્રિક્ટ જજ યોવોન ગોન્ઝાલેઝ રોજર્સ ની અંતિમ મંજૂરી મળ્યા બાદ જ આ સમાધાન પર સત્તાવાર મહોર લાગશે.
-- Meta, TikTok અને Snap પણ કાયદાના સકંજામાં!
બાળકોના માનસિક સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાના આરોપમાં માત્ર YouTube જ એકલું નથી. Meta (ફેસબુક-ઇન્સ્ટાગ્રામ), TikTok અને Snap (સ્નેપચેટ) સામે પણ આવા જ કાનૂની કેસ ચાલી રહ્યા છે, જેની આગામી મહત્વની સુનાવણી ફેબ્રુઆરી ૨૦૨૭માં એરિઝોનાના ટક્સનમાં થવાની છે. આ ઐતિહાસિક કેસ સમગ્ર દુનિયાની સોશિયલ મીડિયા કંપનીઓ માટે એક કડક ચેતવણી સમાન છે કે નફાની દોડમાં બાળકોના ભવિષ્ય અને માનસિક સ્વાસ્થ્ય સાથે રમત નહીં ચલાવી લેવાય.
શું તમને પણ લાગે છે કે બાળકો માટે સોશિયલ મીડિયા અને વીડિયો એપ્સ પર કડક નિયંત્રણો હોવા જોઈએ? માતા-પિતા તરીકે તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર લખો!