શિયાળામાં જ ઉનાળા જેવી જળ'કટોકટી! આજવા સરોવરનું તળિયું દેખાવા લાગ્યું!
By Our Vadodara
Published
VMC ના ઇતિહાસમાં પહેલીવાર એક જ વર્ષમાં બીજી વખત નર્મદાનું પાણી ખરીદવાની નોબત!
હજુ તો શિયાળાની ઠંડીની શરૂઆત થઈ છે ત્યાં જ વડોદરાવાસીઓ માટે માથે જળસંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે! સામાન્ય રીતે ઉનાળામાં જે પરિસ્થિતિ સર્જાતી હોય છે,તેવી ગંભીર સ્થિતિ નવેમ્બર મહિનામાં જ ઊભી થઈ ગઈ છે. આ વર્ષે ઓછા વરસાદને કારણે વડોદરાના પૂર્વ વિસ્તારની જીવાદોરી સમાન આજવા સરોવરની જળસપાટી સતત ઘટીને 207.10 ફૂટ પર પહોંચી ગઈ છે જેના પરિણામે વડોદરા મહાનગરપાલિકા (VMC) ના ઇતિહાસમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના બનવા જઈ રહી છે એક જ વર્ષમાં બીજી વખત નર્મદા કેનાલમાંથી કરોડો રૂપિયા ખર્ચીને પાણી ખરીદવાની ફરજ પડશે!
-- 206 ફૂટની જોખમી સપાટી અને પંપિંગનો વધારાનો ખર્ચ!
આજવા સરોવરની ભૌગોલિક રચના મુજબ, જો સરોવરની સપાટી 206 ફૂટથી ઉપર રહે તો ગુરુત્વાકર્ષણ (Gravity) થી પાણી સીધું શહેર સુધી પહોંચે છે. પરંતુ હાલમાં સપાટી 209 ફૂટથી નીચે (207.10 ફૂટ) ઉતરી ગઈ હોવાથી પોન્ટૂન પંપ ની મદદથી પાણી ખેંચીને શહેર સુધી પહોંચાડવું પડી રહ્યું છે, જેનાથી વીજળી બિલનો મોટો બોજ તંત્ર પર પડી રહ્યો છે. અગાઉ 20 જૂન 2026ના રોજ સપાટી 205 ફૂટની નજીક પહોંચી ગઈ હતી ત્યારે પાલિકાએ સરદાર સરોવર નર્મદા નિગમ (SSNNL) પાસેથી 30 દિવસ માટે રોજનું 300 MLD પાણી રૂ. 3.52કરોડ ના ખર્ચે મેળવ્યું હતું. હવે આગામી એક મહિનામાં ફરીથી નર્મદાનું પાણી આજવામાં ઠાલવવાનું આયોજન કરવું પડશે.
-- એક તરફ પાણીની તંગી બીજી તરફ લીકેજથી લાખો લિટર પાણીનો વેડફાટ!
એક બાજુ તંત્ર કરોડો રૂપિયા ખર્ચીને પાણી ખરીદવાની તૈયારી કરી રહ્યું છે,તો બીજી બાજુ શહેરમાં તૂટતી પાણીની લાઈનો તંત્રની બેદરકારીની ચાડી ખાઈ રહી છે, અવારનવાર વડોદરાના અનેક વિસ્તારોમાં પાણીની લાઈનો વારંવાર તૂટી રહી છે, જેના કારણે કિંમતી પાણી રસ્તા પર વહી રહ્યું છે.
વડોદરા પર તોળાઈ રહેલા આ જળસંકટ વચ્ચે હવે દરેક નાગરિકે પાણીનો બચાવ કરવો અનિવાર્ય બની ગયો છે. તમારા વિસ્તારમાં પાણીનો પુરવઠો કેવો છે? કમેન્ટમાં જરૂર જણાવો!