26\11 મુંબઈ હુમલાના ૧૮ વર્ષ! સમુદ્રના મોજાં પર લખાયેલી લોહીની કહાની અને વીર સપૂતોના અદમ્ય શૌર્યની ગાથા!
By Our Vadodara
Published
એ 2008ની કાળી અને થીજવી દેનારી રાત, જ્યારે મુંબઈની ધડકન થંભી ગઈ હતી અને શાંતિની ચાદર પર આતંકના કાળા ડાઘ પડ્યા હતા,એ ભયાનક રાતને આજે અઢાર વર્ષ વીતી ગયાં છે પણ એ ઘા'ની પીડા અને શહીદોના બલિદાનની યાદ આજેય દરેક ભારતીયના હૃદયમાં જીવંત છે!
26 નવેમ્બર 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈ પર થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલાને આજે 18 વર્ષ પૂર્ણ થયા છે.આખો દેશ આજે એ નિર્દોષ નાગરિકો અને સર્વોચ્ચ બલિદાન આપનાર વીર જવાનોને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. સીમા પાર પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ ભારતને અસ્થિર કરવાનું ખતરનાક ષડયંત્ર રચ્યું હતું.23 નવેમ્બર 2008ના રોજ કરાચીથી નીકળેલા 10 તાલીમબદ્ધ આતંકીઓએ દરિયામાં ભારતીય માછીમારોની બોટ 'કુબેર' પર કબજો કરી નાવિકોની હત્યા કરી અને 26 નવેમ્બરની રાત્રે મુંબઈના કોલાબા કિનારે ઉતરીને બે-બેના જૂથમાં વહેંચાઈ ગયા!
મુંબઈના હૃદય પર આતંકનો પ્રહાર
આતંકીઓનો ઈરાદો ભય ફેલાવવાનો અને વિદેશી નાગરિકોને બાનમાં લેવાનો હતો,અને એટલે જ CSMT રેલવે સ્ટેશન પર અજમલ કસાબ અને ઈસ્માઈલ ખાને અંધાધૂંધ ગોળીબાર કરીને અસંખ્ય નિર્દોષ મુસાફરોના જીવ લીધા હતા ત્યારબાદ મુંબઈની શાન ગણાતી તાજમહેલ પેલેસ અને ઓબેરોય ટ્રાઈડેન્ટ હોટલોમાં સેંકડો લોકોને બંધક બનાવાયા અને વિસ્ફોટો કરાયા જયારે તંકીઓએ નરીમન હાઉસ, લિયોપોલ્ડ કાફે અને કામા હોસ્પિટલમાં પણ ખૂની ખેલ ખેલીને સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું.
-- સૈનિકોનું શૌર્ય અને કસાબનું જીવંત ઝડપાવું!
આશરે 60 કલાક ચાલેલા ભીષણ ઓપરેશનમાં મુંબઈ પોલીસ, ATS, ભારતીય સેના અને NSG કમાન્ડોએ અદમ્ય સાહસ દાખવી 9 આતંકીઓને ઠાર માર્યા હતા આ જંગમાં હેમંત કરકરે, અશોક કામટે, વિજય સાલસકર, મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન અને તુકારામ ઓમ્બલે જેવા વીર સપૂતોએ માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરી શહિદ થયા હતા,પોતાની છાતી પર ગોળીઓ ઝીલીને અજમલ કસાબને જીવતો પકડનાર તુકારામ ઓમ્બલેના બલિદાનથી પાકિસ્તાનની નાપાક કરતૂત આખી દુનિયા સામે ખુલ્લી પડી છે.
ભવિષ્યની અસર અને આપણા સૌ માટે સવાલો!
26\11 ના હુમલા પછી ભારતે દરિયાઈ અને આંતરિક સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે પરંતુ આ ઘટના ભવિષ્ય માટે કેટલાક ગંભીર સવાલો પણ છોડી જાય છે,શું સરહદ અને દરિયાઈ સીમાઓની સુરક્ષામાં ક્યારેય કોઈ છીંડું ન રહે તે માટે ટેક્નોલોજી અને સતર્કતાનો સમન્વય સતત જળવાઈ રહેશે?
આતંકવાદના મૂળિયાં ઉખેડવા માટે વૈશ્વિક સ્તરે કડક અને નિર્ણાયક પગલાં ક્યારે લેવાશે? અને સૌથી મહત્વનું શું આપણે માત્ર 26 નવેમ્બરે જ શહીદોને યાદ કરીશું કે પછી દેશની એકતા, અખંડિતતા અને જાગૃતિને જીવનમંત્ર બનાવીશું?
શહીદોનું લોહી એળે ન જાય એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. આતંકવાદ સામેના આ સંઘર્ષમાં તમારો સંદેશ કમેન્ટમાં જરૂર લખજો!