ભાજપમાં એક સંનિષ્ઠ કાર્યકર્તાની છબી ધરાવતા અને વડોદરા શહેરના પૂર્વ મેયર ડૉ .જ્યોતિબેન પડ્યાંની પક્ષમાં સતત અવગણના થતા તેમણે ભાજપ પક્ષ સાથે છેડો ફાડી નાખી લડતનું રણશિંગુ ફુક્યું છે. વડોદરા લોકસભા બેઠકની સીટ પર રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વખત રિપીટ કરાતા તેમણે વડોદરાના વિકાસ માટે શિસ્તબંધ પક્ષ સામે મ્યાનમાંથી તલવાર ખેંચવાની હિંમત કરી હતી. જેના કારણે તેમને ભાજપ રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ સહીતના તમામ પદેથી સસ્પેન્ડ કરાયા હતા. દરમ્યાન આજે આપના સંયોજક દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરાની મુલાકાતે હોય તેઓ આપમાં જોડાશે કે નહિ તેવી અટકળોએ હાલ રાજકીય મોરચે ચર્ચા જગાવી હતી. જો કે, તેમને સ્પષ્ટતા કરી છે કે, હું મરીશ તો કેસરી ચાદર ઓઢાડજો , કોઈ પાર્ટીમાં જોડાવાની નથી. ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા સાથે જોડાયેલી છું.