નારી વંદન સપ્તાહના પ્રારંભે શી ટીમની મહિલા સુરક્ષા રેલી

નારી વંદન સપ્તાહના પ્રારંભે શી ટીમની મહિલા સુરક્ષા રેલી

—--૨૦૦ મહિલા પોલીસ કર્મીઓ,વિદ્યાર્થીઓ તથા સ્વૈચ્છિક સંગઠનો રેલીમાં જોડાયા

---મહિલાને શિક્ષા અને સન્માન, એનાથી દેશ બનશે મહાન જેવા બેનર-પોસ્ટરથી જનજાગૃતિનો પ્રયાસ

નારીશક્તિના મહાત્મ્ય માટે રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ માસમાં ઉજવાતા નારી વંદન સપ્તાહનો વડોદરામાં પ્રારંભ થયો છે. નારી વંદન સપ્તાહનો પ્રથમ દિન સુરક્ષાને સમર્પિત હતો. તેના ઉપલક્ષ્યમાં વડોદરા શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેરી ડેન સર્કલથી શરૂ થયેલી આ રેલીને વડોદરા શહેર પોલીસની શી ટીમના પોલીસ અધિકારીઓએ ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં ૨૦૦ જેટલા મહિલા પોલીસ કર્મીઓ ઉપરાંત છાત્રાઓ તથા સ્વૈચ્છિક સંગઠનોના મહિલા પ્રતિનિધિઓ સહભાગી બન્યા હતા.

મહિલાને શિક્ષા અને સન્માન,એનાથી દેશ બનશે મહાન, કુખમાં દીકરી કરે પોકાર, મને આપો અવતાર, હર ઘર બેટી અપનાવો, બેટી બચાવો, બેટી પઢાવો જેવા જનજાગૃતિના સૂત્રો સાથે રાજમાર્ગ ઉપર રેલી ફરી હતી અને કમાટી બાગ સુધી પહોંચી હતી. કેટલીક દિવ્યાંગ બાળાઓ પણ આ રેલીમાં જોડાઇને તે સશક્ત હોવાનો સુંદર સંદેશ આપ્યો હતો.