જાણો ,પૃથ્વીનું દાન કરનાર ભગવાન પરશુરામ કોણ હતા...

- શાસ્ત્ર અને શસ્ત્રનો બંનેનો સમન્વય એટલે ભગવાન પરશુરામ

“યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનં ધર્મસ્ય… ધર્મસંસ્થાપનાય, સંભવામી યુગે યુગે” આ ગીતાવચન પ્રમાણે જયારે ધર્મની હાની થાય છે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરે છે. તેમના દશાવતારોમા પરશુરામ પણ એક અવતાર માનવામાં આવે છે. આજે અક્ષય તૃતીયા એટલે ભગવાન પરશુરામની જન્મતિથી.તેઓ તેમના ક્રોધી સ્વભાવના કારણે ખુબ જ જાણીતા છે. સીતા સ્વયંવરમાં ભગવાન રામે શિવધનુષ્યનો ભંગ કર્યો ત્યારે પરશુરામ ખુબ જ ગુસ્સે ભરાયા હતા.પરશુરામનું મુખ્ય શસ્ત્ર કુહાડી ગણાય છે. તેને ફરસા, પરશુ પણ કહે છે, જે ભગવાન શિવ દ્વારા પ્રાપ્ત થયું હતું. તે ઉપરાંત તેમણે બ્રહ્માસ્ત્ર, આગ્નેય, રૌદ્ર, વજ્ર, પાશ જેવા ચાલીસ શસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હતું.ભગવાન પરશુરામને શક્તિ, સાહસ અને સત્યનું પ્રતિક માનવામાં આવે છે. તેમના જીવનનો એક જ સંદેશ છે કે “દુરાચારીનું તો કાયમ દમન જ કરાય”. તેમણે શસ્ત્ર ઉગામીને ક્ષત્રિયોને કાયમ ક્ષત્રીય ધર્મ નિભાવવા પ્રેર્યા છે. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું બળ મળે તો જ સર્વાંગી રીત સમાજ અને રાષ્ટ્ર સુદૃઢ, સમૃદ્ધ અને સદાચારી બને.

-  તેમણે 21 વખત આ ધરતીને ક્ષત્રિય વિહીન કરી હતી

વૈશાખ મહિનાના સુદ પક્ષની તીજ તિથિએ પરશુરામજીનો જન્મ થયો હતો. એટલે અક્ષય તૃતીયાના દિવસે જ તેમની જયંતી પણ ઊજવવામાં આવે છે. પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. અમર થઈને કળિયુગમાં હનુમાનજી સહિત 8 દેવતા અને મહાપુરૂષોમાં પરશુરામ પણ એક છે. તેમનો જન્મ પુત્રેષ્ટિ યજ્ઞ દ્વારા થયો હતો અને તેમને ભગવાન શિવજીએ આશીર્વાદમાં પરશુ (ફરસો) આપ્યો હતો. આ કારણે તેમનું નામ પરશુરામ પડ્યું છે. તેમની પૂજા કરવાથી સાહસ વધે છે અને દરેક પ્રકારનો ભય દૂર થાય છે. ભગવાન રામ અને પરશુરામ બંને જ વિષ્ણુના અવતાર છે. ભગવાન રામ ક્ષત્રિય કુળમાં જન્મેલા પરંતુ તેમનો વ્યવહાર બ્રાહ્મણો જેવો હતો. ત્યાં જ ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો, પરંતુ તેમનો વ્યવહાર ક્ષત્રિય હતો. ભગવાન શિવજીના પરમભક્ત પરશુરામ ન્યાયના દેવતા છે. તેમણે 21 વખત આ ધરતીને ક્ષત્રિય વિહીન કરી હતી.

- તેમના ગુસ્સાના કારણે ભગવાન ગણેશજી પણ બચી શક્યા નહોતાં

બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે, એકવાર પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાશ પર્વત પહોંચ્યા, પરંતુ પ્રથમ પૂજ્ય શિવ-પાર્વતી પુત્ર ભગવાન ગણેશજીએ તેમને શિવજીને મળવા દીધા નહીં. આ વાતથી ગુસ્સે થઇને તેમણે પોતાના ફરસાથી ભગવાન ગણેશજીનો એક દાંત તોડી નાખ્યો. આ કારણે ભગવાન ગણેશ એકદંત કહેવાયાં.


- એવું માનવામાં આવે છે કે તેઓ ચિરંજીવી છે અને હજી પણ પૃથ્વી પર હાજર છે

ભગવાન રામ અને પરશુરામની મુલાકાત ત્યારે થઈ જ્યારે ભગવાને રામે સીતા સ્વયંવરના સમયે ભગવાન શિવના ધનુષને તોડી નાખ્યું હતું. જેના કારણે ભગવાન પરશુરામ ક્રોધિત થઈ ગયા અને તેમણે શ્રી રામનો વધ કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ જ્યારે ભગવાન રામે ભગવાન વિષ્ણુના શારંગ ધનુષથી તીર ચલાવ્યું તે સમયે પરશુરામજી ભગવાન રામને ઓળખી ગયા હતા અને આશીર્વાદ આપીને જતા રહ્યા હતા.સતયુગથી દ્વાપર યુગ સુધી ભગવાન પરશુરામની ઉપસ્થિતિની કથા જોવા મળે છે. ભગવાન રામે તેમને પોતાનું સુદર્શન ચક્ર ભેટ આપ્યું હતું. જે દ્વાપર યુગમાં પરશુરામજીએ ભગવાન શ્રીકૃષ્ણને સોંપ્યું હતું.ભગવાન પરશુરામ માતા રેણુકા અને ઋષિ જમદગ્નિના ચોથા સંતાન હતા. પિતાની આજ્ઞા બાદ પરશુરામજીએ પોતાની જ માતાનો વધ કરી દીધો હતો. જેના કારણે તેમને માતૃ હત્યાનું પાપ પણ લાગ્યું હતું. આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા પણ કરી હતી. ભગવાન શિવે પરશુરામને મૃત્યુલોકના કલ્યાણ માટે પરશુ શસ્ત્ર આપ્યું હતું. જેના કારણે પાછળથી તેમને પરશુરામ કહેવામાં આવ્યા હતા.વું માનવામાં આવે છે કે પરશુરામજીએ 21 વખત પૃથ્વીને ક્ષત્રિય-રહિત બનાવી હતી. આવું તેમણે પોતાના માતા-પિતાના અપમાનનો બદલો લેવા માટે કર્યું હતું.

- ભીષ્મ અને કર્ણના ગુરુ હતા ભગવાન પરશુરામ