ભારતે જ્યારે અમેરિકાની આંખમાં ધૂળ નાખીને ધડાધડ પાંચ અણુધડાકા કર્યા

- જાણો શા માટે 11 મેના રોજ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

વર્ષ 1998માં 11 મેના દિવસે ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું હતું. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતે એક પછી એક એમ 5 પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું હતું. જે પરીક્ષણની સફળતા પર, સરકારે 11 મેને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે જાહેર કર્યો. ત્યારથી, 11 મેને દેશમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે દેશના વિકાસમાં યોગદાન આપનારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને સમર્પિત છે. મહત્વનું છે કે શિક્ષકો અને રસ ધરાવતા લોકોમાં ટેક્નોલોજી પ્રત્યે રૂચિ વધે અને  ટેક્નોલોજીના સદુપયોગથી સમાજ અને દેશનો વિકાસ થાય તે હેતુથી ગુજરાત આ  દિવસની ઉજવણી થઇ રહી છે.

- અટલ બિહારી વાજપેયીએ 11 મે ને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ જાહેર કર્યો

11 મે, 1998 એ ભારત માટે ઐતિહાસિક દિવસ માનવામાં આવે છે. દેશને મોટી સફળતા મળી છે. આ સફળતા ભારતીય સેના સાથે સંબંધિત હતી. ભારતે પોખરણ-2 ટેસ્ટ માટે પાંચ પરમાણુ વિસ્ફોટ કર્યા હતા. આ ન્યુક્લિયર ટેસ્ટનું કોડ નેમ શક્તિ-1 ન્યુક્લિયર મિસાઈલ હતું. દેશની આ સફળતાની ઉજવણી તરીકે દર વર્ષે ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે.વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની આ જબરદસ્ત ઉપલબ્ધિઓના આધારે અટલ બિહારી વાજપેયીએ 11 મેને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક રીતે વિકસિત એરક્રાફ્ટ ‘હંસ-3’ એ પણ તે જ દિવસે પરીક્ષણ ઉડાન ભરી હતી. ઉપરાંત ભારતે આ દિવસે ત્રિશુલ મિસાઈલનું પણ સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરિક્ષણથી આખી દુનિયા દંગ રહી ગઇ હતી. આ દિવસ આપણી શક્તિઓ, નબળાઈઓ, ધ્યેયો પર વિચાર મંથન કરવા માટે ઉજવવામાં આવે છે, જેથી આપણે ટેક્નોલોજીના ક્ષેત્રમાં દેશની સ્થિતિ અને દિશા વિશે સાચી જાણકારી મેળવી શકીએ.

દર વર્ષે 11 મે ને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા દેશમાં ટેકનોલોજી  ક્ષેત્રના દિગ્ગજો, સંશોધકો અને એન્જિનિયરોની સિદ્ધિઓને પ્રકાશિત કરે છે. આ દિવસ ભારતની એક મહાન ઉપલબ્ધિની યાદ અપાવે છે. આ સિદ્ધિ દર વર્ષે ઉજવવામાં આવે છે.  દર વર્ષે નેશનલ ટેક્નોલોજી ડે પર નવી થીમ જાહેર કરવામાં આવે છે. સામાન્ય રીતે, થીમ વિજ્ઞાન અને તકનીકી વિભાવનાઓના સંશોધનની આસપાસ ફરે છે. આ વર્ષે “From Schools to Startups: Igniting Young Minds to Innovate.” થીમ છે.

- પોખરણ અણુ ધડાકો (11 મે, 1998)

11 મે, 1998, સોમવારના રોજ ભર બપોરે રેસકોર્સ રોડ પર વડાપ્રધાનના સરકારી નિવાસના ડ્રૉઈંગ રૂમમાં છ લોકો બેઠા હતા. આ લોકો માટે સમય ખૂબજ તણાવભર્યો હતો. 3 વાગ્યે અને 45 મિનિટે રાજસ્થાનના પોખરણની રેત પરમાણુ વિસ્ફોટના કારણે ધૃજી રહી હતી, ત્યારે આ છ લોકોને માત્ર એસીનો ઘરઘરાટ જ સંભળાઇ રહ્યો હતો.બરાબર 10 મિનિટ બાદ બાજુના રૂમના ટેલિફોન પર ઘંટડી વાગી. વડાપ્રધાનના મુખ્ય સચિવ બૃજેશ મિશ્રએ અચકાતા મને ટેલિફોનનું રિસીવર ઉપાડ્યું તો સામેથી ઉત્સાહભર્યો અવાજ આવ્યો, કામ ફતહ…

- આજના દિવસે ભારતે શ્રદ્ધેય અટલજીના નેતૃત્વમાં પરમાણુ પરીક્ષણ કરીને ન્યુક્લિયર યુગમાં કદમ મૂક્યાં

આ અભ્યાસ અંતર્ગત, વૈજ્ઞાનિકો, સંશોધકો અને એન્જિનિયરોની એક સમર્પિત ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેણે ભારત માટે રાત દિવસ જોયા વિના કાર્ય કર્યું હતું. આ મિશન ખુબ જ ગુપ્ત હતું, કારણ કે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ટીકા -ટિપ્પણી આકર્ષવા માંગતું ન હતું. પોખરણમાં, આ પરમાણુ પરીક્ષણો ભારતીય સેનાની પોખરણ ટેસ્ટ રેન્જમાં હાથ ઘરવામાં આવ્યા હતા. સફળ પરીક્ષણ કરવા માટે શ્રેણીબદ્ધ 5 એટમ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. જેમાં, ભારતના ‘મિસાઈલ મેન’ તરીકે સુપ્રસિદ્ધ અને તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ પોખરણ પરીક્ષણોના સ્ટાર માર્ગદર્શક હતા. મિશનનો કોડ ‘ઓપરેશન શક્તિ’ હતું. વૈશ્વિક સ્તરે ‘પરમાણુ ક્લબ’ના અન્ય 5 વર્તમાન સભ્યોએ તેના પ્રચારનો વિરોધ કર્યો હતો. તેથી આ મિશન એક ખાસ કોડ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ ખાનગી મિશનની સફળતાને ભારતની વૈજ્ઞાનિક સફળતાની સફરમાં ખરેખર એક મોટો સીમાચિહ્ન માનવામાં આવે છે.ભવિષ્યમાં, આગામી તકનીકી અને વૈજ્ઞાનિક કામગીરીમાં સમાન સ્તરે અને સફળતાની વધુ ઊંચાઈઓ સુધી પહોંચવાના વિઝન સાથે, ભારત આજે એટલે કે 11 મેના રોજ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસની ઉજવણી દેશભરમાં કરે છે.

11મેના રોજ ત્રણ વિસ્ફોટ અને 13 મેના રોજ બે વિસ્ફોટ કરવામાં આવ્યા. ટેસ્ટનું નામ રાખવામાં આવ્યું ઑપરેશન શકિત. આ ટેસ્ટને કારણે જે ઊર્જા પેદા થઈ એ 45 કિલોટન જેટલી હતી. પરીક્ષણ જમીનની અંદર કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટમાં ફિશન અને ફ્યુઝન એમ બંને રીતનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફ્યુઝન ટેસ્ટમાં બે અણુ પરસ્પર ભેગા મળે છે અને એક મોટો અણુ સર્જાય છે. આ માટે ઘણા પ્રોટોન્સ અને ઇલેક્ટ્રોન્સની જરૂર પડે છે. આ ફિશન રિએક્શનથી વધારે ઊર્જાવાળું રિએક્શન હોય છે. વધુ ખતરનાક પણ.

ભારત સામેનો જે સૌથી મોટો પડકાર કોઈ હોય તો એ હતો આ મિશનને ગુપ્ત રાખવું. આકાશમાં ઘૂમતા રહેતા અમેરિકી સેટેલાઇટની બાજનજરથી બચવું એ કાંઇ થોડું સહેલું હતું! મિશનની ગુપ્તતા જળવાય એ હેતુસર ભારતીય વૈજ્ઞાનિકો અંડરકવર થઇ ગયા. બધા વૈજ્ઞાનિકોએ સૈન્યના પોશાકમાં સજ્જ થઇ ગયા. દરેકને કોડનેમ પણ આપવામાં આવ્યું. ભારત યુનિવર્સલ પીસમાં માનનારો શાંતિચાહક દેશ છે એવી સ્થિતિમાં પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વમાં અસ્થિરતા પેદા કરવી આવકારદાયક વાત નથી. જોકે આપણી શાંતિપ્રિયતાને કોઇ નબળાઇ પણ ન સમજી બેસે એ માટે આપણું ડિફેન્સ મજબૂત હોવું જોઇએ.’