રાહુલ માટે 'મોદીના જમાનામાં ગાંધી થવું' શક્ય છે ?

રાહુલ ગાંધી 2004માં રાજકારણમાં સક્રિય થયા ત્યારે ભારતીય રાજનીતિ હિસાબે તેઓ હજી 'બાળક' જ હતા. જોકે, તેમની ઉંમર 34 વર્ષની થઈ ગઈ હતી. મજાની વાત એ છે કે દેશના રાષ્ટ્રીય રાજકારણમાં દોઢ દાયકો કાઢી નાખ્યો, તે પછી પણ તેમને 'નાદાન' જ સમજવામાં આવતા હતા. નાનપણમાં દાદી ઇંદિરા ગાંધીને કામ કરતાં જોઈને રાહુલ ગાંધી રાજકારણના પાઠ શિખ્યા હતા રાહુલ ગાંધીએ પ્રાથમિક શિક્ષણ દૂન સ્કૂલમાં લીધું હતું. ત્યારબાદ દિલ્હીની જાણીતી કૉલેજ સેન્ટ સ્ટિફન્સમાં ભણ્યા. બાદમાં અમેરિકા જતા રહ્યા અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો હતો.જોકે, સુરક્ષાના કારણોસર તેમણે હાર્વર્ડ છોડીને વિન્ટર પાર્ક, ફ્લૉરિડાની એક કૉલેજમાં દાખલ થવું પડ્યું હતું. ત્યાંથી 1994માં તેમણે આંતરરાષ્ટ્રીય સંબંધોના વિષયમાં ડિગ્રી મેળવી હતી. ત્યાંથી તેઓ કૅમ્બ્રિજ યુનિવર્સિટીની જાણીતી ટ્રિનિટી કૉલેજમાં પહોંચ્યા. ટ્રિનિટી કૉલેજમાંથી તેમણે 1995માં 'ડેવલપમેન્ટ સ્ટડીઝ'માં એમ.ફીલ કર્યું હતું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ લંડનની બ્રાન્ડ સ્ટ્રેટેજી માટે જાણીતી કંપની 'મૉનિટર ગ્રૂપ'માં નોકરી શરૂ કરી હતી. પોતાનું નામ બદલીને તેમણે આ કંપનીમાં ત્રણ વર્ષ સુધી નોકરી કરી હતી.  અહીં નોકરી કરતા હતા ત્યારે સહકર્મીઓને તેમની ઓળખનો અણસાર પણ આવ્યો નહોતો કે આ યુવાન ઇંદિરા ગાંધીના પૌત્ર છે. 2002માં રાહુલ ગાંધી ભારત પરત ફર્યા. કેટલાક લોકો સાથે મળીને મુંબઈમાં એક કંપની શરૂ કરી હતી, જેનું નામ હતું 'બેકૉપ્સ સર્વિસીઝ લિમિટેડ'. 2004માં લોકસભાની ચૂંટણી માટે તેમણે ઉમેદવારીપત્ર ભર્યું, તેમાં તેમણે લખ્યું હતું કે આ કંપનીમાં તેમના 83 ટકા શૅર છે. હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહેલીવાર રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવાના છે. આ પહેલા રાહુલ યુપીની અમેઠી સીટથી લડતા હતા અને ત્રણ વખત જીત્યા હતા. પરંતુ 2024ની લડાઈમાં એક મોટો ફેરફાર થયો છે, ગાંધી પરિવાર અમેઠીથી બહાર છે અને પ્રિયંકા વિશે ખૂબ ચર્ચા વચ્ચે રાહુલ ગાંધીને રાયબરેલીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એવું કહેવું ખોટું નહીં હોય કે રાયબરેલી આ સમયે રાહુલ માટે સુરક્ષા કવચથી ઓછી નથી.

- રાહુલ ગાંધી પાસે કેટલી સંપત્તિ છે?

સોગંદનામામાં રાહુલે પોતાની કુલ સંપત્તિ 20.39 કરોડ રૂપિયા દેખાડી છે. આ પહેલાં 2019માં તેમણે કુલ સંપત્તિ 15.88 કરોડ દર્શાવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં રાહુલ ગાંધીની સંપત્તિમાં પાંચ કરોડનો વધારો થયો છે.  સોગંદનામા પ્રમાણે રાહુલ ગાંધી પાસે 55 હજાર રૂપિયા રોકડા છે અને 26.25 લાખ રૂપિયા બે બૅન્ક ખાતાઓમાં જમા છે. તેમણે બહેન પ્રિયંકા ગાંધી સાથે દિલ્હીના મહરૌલી સ્થિત સુલ્તાનપુર ગામમાં ખેતીની બે જમીન ખરીદી છે, જેમાં તેઓ 50-50 ટકા ભાગીદાર છે. સોગંદનામા પ્રમાણે આ જમીનની હાલની બજારકિંમત 2.10 કરોડ રૂપિયા છે. આ સિવાય રાહુલ ગાંધીના નામે ગુરૂગ્રામમાં પાંચ હજાર 538 વર્ગ ફૂટની ઓફિસ સ્પેસ છે, જેની હાલની કિંમત નવ કરોડ રૂપિયા છે.

- આ બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો રહ્યો છે

રાહુલ ગાંધીએ આ ચૂંટણીમાં અમેઠી સીટ છોડીને રાયબરેલીથી ઉમેદવાર બનવાની જાહેરાત કરી છે. રાયબરેલી લોકસભા સીટના ઈતિહાસની વાત કરીએ તો ફિરોઝ ગાંધી પહેલીવાર 1952માં ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તે પછી તેઓ 1958માં પણ ચૂંટણી જીત્યા હતા. તેમના મૃત્યુ પછી, ઈન્દિરા ગાંધીએ 1967ની ચૂંટણીમાં આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવીને તેમની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં આ બેઠક ગાંધી પરિવારનો વારસો બની ગઈ. 2004માં ઈન્દિરા ગાંધીના પુત્રવધૂ સોનિયા ગાંધીએ ચૂંટણી લડી હતી અને પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. જયારે હવે સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધી આ સીટ પરથી લડશે.

- રાહુલ ગાંધી અને ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપનો મુકાબલો

હાઈપ્રોફાઈલ રાયબરેલી સંસદીય સીટ પર બીજેપી ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ સતત બીજી વખત ગાંધી પરિવાર સામે લડશે. 2018માં દિનેશ પ્રતાપ સિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. 2019માં દિનેશ પ્રતાપ સિંહે સોનિયા ગાંધી સામે ચૂંટણી લડી હતી અને હારી ગયા હતા. તે સમયે સોનિયા ગાંધીને 5,31,918 વોટ મળ્યા. ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહને 3,67,740 મત મળ્યા હતા. દિનેશ પ્રતાપ 1,64,178 મતથી હારી ગયા હતા, પરંતુ તેમણે સોનિયા ગાંધીની જીતનું માર્જિન ઘટાડ્યું હતું.

- રાહુલ ગાંધી માટે રાયબરેલી અને વાયનાડનું મહત્ત્વ

 રાહુલ ગાંધીએ રાયબરેલીથી નોમિનેશનને ભાવનાત્મક ક્ષણ ગણાવ્યું, અને કહ્યું - 'મારી માતાએ પરિવારની કર્મભૂમિ મને ખૂબ વિશ્વાસ સાથે સોંપી છે... અને મને તેની સેવા કરવાની તક આપી છે. અમેઠી અને રાયબરેલી વિશે લખ્યું હતું, અમેઠી અને રાયબરેલી મારા માટે અલગ નથી, બંને મારો પરિવાર છે. પોતાના માટે વોટ માંગતી વખતે તેમણે કહ્યું હતું કે, અન્યાય સામે ચાલી રહેલી ન્યાયની લડાઈમાં... હું મારા પ્રિયજનોનો પ્રેમ અને આશીર્વાદ ઈચ્છું છું... મને વિશ્વાસ છે કે તમે બધા બંધારણ અને લોકશાહીને બચાવવાની આ લડાઈમાં મારી સાથે ઉભા છો. રાહુલ ગાંધી ભલે ચૂંટણીના માહોલમાં રાયબરેલી અને અમેઠીને પોતાનો પરિવાર ગણાવવા લાગ્યા હોય, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તેઓ વાયનાડને તેમના બાળપણ સાથે જોડીને તરીકે રજૂ કરી રહ્યા હતા - અને ન તો રાયબરેલીના લોકો આ વાત ભૂલી શકે છે અને ન તો વાયનાડના લોકો.

- રાહુલ ગાંધી માટે રાયબરેલી બેઠક જીતવી કેટલો મોટો પડકાર?

જ્યારે રાહુલ ગાંધી ઉમેદવારી માટે રાયબરેલી પહોંચ્યા ત્યારે ભાજપ સમર્થકોએ 'રાહુલ ગાંધી ગો બૅક'ના નારા લગાવીને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો. વેપારી અને ભાજપ સમર્થક અનુપ ત્રિપાઠીએ કહ્યું, ‘જ્યારે રાહુલ ગાંધી ઉમેદવારી માટે રાયબરેલી આવ્યા હતા, ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે છેલ્લાં પાંચ વર્ષથી સંસદ સભ્ય હોવા છતાં સોનિયાજી રાયબરેલીમાં નથી આવ્યાં. આ કારણે જ કૉંગ્રેસ માટે ચૂંટણી જીતવી સરળ નહીં રહે.’

- રાહુલ ગાંધીને જીતવું મુશ્કેલ બન્યું! જાણો વાયનાડ બેઠક પર CPI અને ભાજપે શું કર્યો ખેલ?

કેરળ (Kerala)માં કોંગ્રેસ (Congress)ને હિન્દુ મતદારોનું સૌથી વધુ સમર્થન મળતું રહ્યું છે. ભાજપ (BJP) પણ ત્યાં રાહુલ ગાંધી (Rahul Gandhi) પર હાવી થવાના તમામ પ્રયાસો કરતી રહી છે, પરંતુ હજુ સુધી સફળ થઈ શકી નથી. પરંતુ આ વખતે સીપીઆઈએ સીએએ અને મુસ્લિમ લીગના ધ્વજનો મુદ્દો ઉઠાવ્યો છે અને કોંગ્રેસને એન્ટી મુસ્લિમ તરીકે ચિતરી રહી છે. હવે આ મુદ્દાનો લાભ ભાજપે ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે અને રાહુલ ગાંધી સામે દમદાર ઉમેદવાર કે.સુરેન્દ્ર (K Surendran)ને મેદાનમાં ઉતાર્યા છે. સુરેન્દ્રન કેરળમાં ઘણી વખત ચૂંટણી લડ્યા છે. ગત ચૂંટણીમાં તેઓ માત્ર થોડા મતોથી હારી ગયા હતા. જો હિન્દુ વોટોના ભાગલા પડશે અને મુસ્લિમ મતદારો સીપીઆઈ પર પસંદગી ઉતારશે, તો રાહુલના હાથમાંથી વાયનાડ જઈ શકે છે.

- રાહુલ ગાંધીની ન્યાય યાત્રા : આ યાત્રાથી કૉંગ્રેસ મજબૂત થશે?

રાહુલ ગાંધીએ  ભારત જોડો ન્યાય યાત્રા મારફતે જનસંપર્કનો પ્રયાસ કર્યો હતો .રાહુલે ગુજરાતમાં પોતાની યાત્રામાં બેરોજગારી, જાતિગત વસતિગણતરી અને વંચિતોની ઉપેક્ષા મામલે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.ચોક્કસપણે ગુજરાતમાં અનેક જગ્યાએ આ યાત્રાને વ્યાપક સમર્થન મળ્યું, પરંતુ તે રાજકીય રીતે ચૂંટણીમાં કૉંગ્રેસને કેટલો ફાયદો કરાવશે તે કહેવું અઘરું છે.કોઈ મોટો નેતા આવે તો ભીડ ભેગી થાય, પરંતુ યાત્રામાં સરેરાશ ઓછી ભીડ દેખાય છે. છતાંય અત્યારે ગુજરાતમાં કૉંગ્રેસની જેવી હાલત છે એ જોતાં આ ભીડ કૉંગ્રેસ માટે ઉત્સાહવર્ધક છે અને યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો છે એમ કહી શકાય.”

- રાહુલ ગાંધી સામે વાયનાડમાં ભાજપે 242 ગુનાઈત કેસનો રેકોર્ડ ધરાવતો ઉમેદવાર ઉતાર્યો

ભાજપે તેના કેરળ એકમના વડા અને વાયનાડ લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર  કે. સુરેન્દ્રનને જાહેર કર્યા છે. સુરેન્દ્રન સામે 242 ગુનાહિત કેસ છે. વાયનાડ સીટ પર સુરેન્દ્રનનો મુકાબલો કોંગ્રેસના વર્તમાન સાંસદ રાહુલ ગાંધી સાથે થશે. કાનૂની જરૂરિયાતો અનુસાર, સુરેન્દ્રને તાજેતરમાં જ પાર્ટીના મુખપત્રમાં તેમના વિરુદ્ધ કેસની વિગતો પ્રકાશિત કરી હતી. તેના ટ્રાયલનો ઉલ્લેખ ત્રણ પાનામાં કરવામાં આવ્યો હતો.

- બૉક્સિંગ, શૂટિંગ અને પેરાગ્લાઇડિંગનો શોખ

માત્ર બૉક્સિંગ નહીં, સ્વિમિંગ, સ્કવૉશ, પેરાગ્લાઇડિંગ અને નિશાનેબાજીની તાલીમ પણ રાહુલ ગાંધીએ લીધી હતી. આજે પણ ગમે તેવી વ્યસ્તતા વચ્ચે કસરત માટે થોડો સમય કાઢી જ લે છે.

- હજી સુધી કુંવારા છે રાહુલ

રાહુલ ગાંધીએ હજુ સુધી લગ્ન નથી કર્યું. આ વિશે તેઓ વાત કરવાનું પણ ટાળે છે. 2004માં  તેમણે પ્રથમ વખત સ્વીકાર કર્યો હતો કે તેમની ગર્લફ્રૅન્ડનું નામ જ્વાનિતા નહીં, પણ વૅરોનિક છે. આ પછી પણ તેમની ગર્લફ્રૅન્ડ વિશે ચર્ચાઓ ચાલતી રહે છે, પણ કોઈ સ્પષ્ટ વાત બહાર આવી નથી.

- મુશ્કેલ છે આગળનો માર્ગ

રાહુલ ગાંધી આજ સુધી ક્યારે મંત્રી કે મુખ્ય મંત્રી પણ બન્યા નથી. તેમણે ઇચ્છ્યું હોત તો ગમે તે ઘડીએ મંત્રી બની શક્યા હોત. એવા પણ આક્ષેપો થાય છે કે તેમણે પોતાના મતવિસ્તારમાં ખાસ કોઈ વિકાસનાં કાર્યો કર્યાં નથી. તેના કારણે ત્રણ-ત્રણ વાર જીતેલા સાંસદની મજબૂત છાપ સ્થાનિક વિસ્તારમાં નથી પડી. તેમને જે પણ પદ મળ્યું છે તે વારસાને કારણે મળ્યું છે. તે માટે તેમણે કોઈ મહેતન કરવી પડી નથી. વડા પ્રધાનપદ માટે ભલે તેમણે દાવેદારી નોંધાવી હોય, પણ તેમના સાથીઓ અને વિરોધી બન્ને માને છે કે તેમની કસોટી હજુ થઈ નથી. રાજકારણમાં તેને કોઈ ખૂબ મોટો ગુણ માનવામાં આવતો નથી.

- રાહુલ અમેઠી હારી ગયા, પણ વાયનાડે સાચવી લીધું

2019ની સામાન્ય ચૂંટણીઓમાં, રાહુલ ગાંધીએ 'ચોકીદાર ચોર હૈ' ના નારા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોતાના માટે એક વિશેષ વાર્તા બનાવવાનો પ્રયાસ કર્યો - પરંતુ ચૂકી ગયા, અને પરિણામે અમેઠી પણ હારી ગયા. એ તો વાયનાડે સાચવી લીધું, અને શક્ય છે કે તે ભવિષ્યમાં પણ સાચવી લેશે. નોમિનેશનથી લઈને વોટિંગ સુધી, વાયનાડને લઈને કોંગ્રેસે જે સાવધાની રાખી છે તે બધાને દેખાય છે. રાહુલ ગાંધી સામે રાયબરેલી પર ગાંધી પરિવારની પકડ જાળવી રાખવા માટેનો એક મોટા પડકાર છે - અને તેનાથી પણ મોટો પડકાર રાયબરેલી અને વાયનાડ વચ્ચે પસંદગી કરવાનો હશે - જો રાહુલ ગાંધી લોકસભાની બંને બેઠકો જીતી જાય.

- મોદી અટક માનહાનિ કેસ : રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

‘મોદી અટક’ કેસ મુદ્દે રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.  આ કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને 2 વર્ષની સજા કરી હતી. જેના લીધે તેમનું સંસદસભ્ય તરીકેનું સભ્યપદ ગેરલાયક ઠેરવી રદ કરી દેવાયું હતું. રાહુલ ગાંધીએ સજા સામે રાહત માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ તેમને રાહત ન મળતા તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.તેમણે કથિતપણે કહ્યું હતું કે, "આ તમામ ચોરોનું ઉપનામ (સરનેમ) મોદી કેમ છે?" ત્યાર બાદ સુરતમાં ભાજપના પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી.રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 અંતર્ગત મામલો દાખલ કરાયો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 499માં ગુનાહિત બદનક્ષી મામલે વધુમાં વધુ બે વર્ષની સજાની જોગવાઈ છે.

- રાહુલ ગાંધી સાથે જોડાઈ ગયું નામ ‘પપ્પુ’

રાહુલ ગાંધી રાજકારણમાં નવા નવા હતા ત્યારે તેઓ બહુ સારા વક્તા નહોતા. તેઓ મોટા ભાગે સોનિયા ગાંધીની પાછળ ઊભા રહેતા હતા. તેઓ ભાગ્યે જ કશું બોલતા હતા, તેથી તેમને બોલવામાં તકલીફ છે એવી વાતો થવા લાગી હતી. જોકે, તે વાત સાવ ખોટી હતી. ધીમે-ધીમે જમણેરીઓએ તેમને 'પપ્પુ' નામે બોલાવીને મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં આવી છાપને દૂર કરવા માટેની કોઈ કોશિશ પણ રાહુલ ગાંધીએ કરી નહોતી. તે વખતે એક બોલીવૂડ ફિલ્મ પણ આવી હતી, 'પપ્પુ પાસ હો ગયા.' 2008માં પણ એક ફિલ્મનું ગીત ખૂબ પ્રખ્યાત થયું હતું ‘પપ્પુ કાન્ટ ડાન્સ.’

- રાહુલની રાજકીય અપરિપક્વતા

કૉંગ્રેસમાં પણ શરૂઆતમાં તેમની પીઠ પાછળ તેમની મજાક ઉડાવાતી હતી.  19 માર્ચ 2007માં તેમણે દેવબંધમાં જાહેરાત કરી હતી કે 'જો 1992માં નહેરુ પરિવાર સત્તામાં હોત તો બાબરી મસ્જિદ તોડી પાડી ન શકાઈ હોત.' 1992માં નરસિંહ રાવની આગેવાનીમાં કૉંગ્રેસની સરકાર હતી. રાહુલે આગળ કહ્યું, 'મારા પિતાએ મારી માતાને કહ્યું હતું કે બાબરી મસ્જિદ તૂટવાની નોબત આવશે તો હું તેની આડે ઊભો રહી જઈશ. તેમણે બાબરી મસ્જિદ તોડતા પહેલાં મને મારવો પડશે.' તે વખતે રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું કે આ નિવેદન રાહુલ ગાંધીની રાજકીય અપરિપક્વતાનો નમૂનો હતો.

- રાહુલ સામે  દેશનાં ઘણાં રાજ્યોમાં 18 કેસ નોંધાયેલા છે

તેમણે કહ્યું- માર્ચ 2023માં 'મોદી સમાજ' વિરુદ્ધ આપેલા નિવેદનમાં તેઓ દોષિત છે. તેમને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ સજા 4 ઓગસ્ટ, 2023 સુધી રોકી દેવામાં આવી હતી. હવે આ કેસ ગુજરાતની સુરત કોર્ટમાં છે. 2014માં રાહુલે આરએસએસ પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ લગાવ્યો હતો. સંઘ કાર્યકર્તાએ રાહુલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો, જે મહારાષ્ટ્રની ભિવંડી કોર્ટમાં ચાલી રહ્યો છે. 2016માં આસામના ગુવાહાટીમાં માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. 2017માં બેંગલુરુમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યા સાથે આરએસએસને કથિત રીતે જોડવા બદલ રાહુલ વિરુદ્ધ મુંબઈમાં માનહાનિની ​​ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 2018માં ઝારખંડની રાજધાની રાંચીમાં બીજો કેસ નોંધાયો હતો. જેમાં રાહુલ વિરુદ્ધ 20 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો છે. 2018માં જ મહારાષ્ટ્રમાં વધુ એક માનહાનિનો કેસ નોંધાયો હતો. આ કેસ મઝગાંવ સ્થિત શિવરી કોર્ટમાં ચાલી રહ્યો છે. 2018માં ADC બેંકના ચેરમેન અજય પટેલે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 2018માં રાહુલે રાફેલ ફાઈટર જેટ ડીલ પર ભાજપની મજાક ઉડાવી હતી. આમાં રાહુલ વિરુદ્ધ ગુરુગ્રામની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 2019માં તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર જબલપુરમાં હત્યાનો આરોપ લાગ્યો હતો. જેમાં અમદાવાદની કોર્ટમાં રાહુલ સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 2019માં આ જ કેસમાં રાહુલ વિરુદ્ધ ઝારખંડના ચાઈબાસા અને રાંચીમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 2022માં રાહુલે કહ્યું- સાવરકરે આઝાદી પહેલાં અંગ્રેજોની માફી પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંગે સાવરકરના પૌત્ર વિનાયક સાવરકરે મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.