આ ગરમી 'જાનલેવા' છે! અવર સીટી ન્યૂઝની અપીલ 'તમારું ધ્યાન રાખજો'

--ઉકળાટ, બફારો અને ગભરામણ..ક્યાંક તમને બિમાર ન કરી દે!

--હજુ ચાર દિવસ સાચવજો..અસહ્ય તાપ અને હીટવેવે હદ વટાવી!?


આ વર્ષે ગરમી આકરી અને અસહ્ય બની રહી છે.સુરજદાદાના તાપ સાથે રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે.ગુજરાત સહીત દેશના લગભગ તમામ રાજ્યોમાં હવામાન વિભાગે ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે,ગુજરાતમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા લોકો તોબા પોકારી રહ્યાં છે અને હજીય લગભગ ચાર દિવસ તો આ ગરમીમાં કોઈ રાહતના અણસાર નથી.જાનલેવા બની રહેલી ગરમી અને હીટવેવમમાં બીમારીના કેસો પણ વધ્યા છે,હીટસ્ટ્રોકથી હાર્ટએટેક સુધીનું જોખમ પણ વધ્યું છે,સુરજદાદાના પ્રકોપ વચ્ચે ઉકળાટ,બફારો અને ગભરામણથી તમારું ધ્યાન રાખજો.કારણ વગર ઘરની બહાર જવાનું ટાળજો.

--અમદાવાદમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે.રાજ્યમાં આકાશમાંથી જાણે અગનવર્ષા વરસી રહી છે. 45.4 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ તો અમદાવાદમાં પણ પારો 45.2 ડિગ્રીએ પહોંચ્યો છે .આગામી ચાર દિવસ સુધી અમદાવાદમાં હીટવેવની સ્થિતિ જોવા મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે મે મહિનામાં છેલ્લા સાત વર્ષમાં ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે,ગતરોજ અમદાવાદમાં 45.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.જયારે આજે પણ  45.2 ડિગ્રીએ પારો પહોંચ્યો છે.આ ઉપરાંત ગઈકાલે 5 શહેરોનું તાપમાન 45 ડિગ્રીને આંબી ગયું હતું જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને કંડલામાં ગરમીએ ભુક્કા કાઢી નાખ્યા હતા,45.4 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર હોટેસ્ટ સિટી રહ્યું હતું તો બીજીતરફ હવામાન વિભાગે ફરી આજે અને આવતીકાલે   બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં હીટવેવની ચેતવણી છે.

--આ લક્ષણો ગરમીના દેન છે જાણી લેજો..

અતિશય તાપ અને હીટવેવ્સના સંપર્કમાં આવવાથી થાક,હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશન થઈ શકે છે.પરસેવાથી શરીર પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવે છે, જે નિર્જલીકરણ અને મહત્વપૂર્ણ ખનિજોમાં અસંતુલન તરફ દોરી જાય છે. આ શરીરની તાપમાનને નિયંત્રિત કરવાની ક્ષમતામાં દખલ કરી શકે છે. આના પરિણામે માથાનો દુખાવો,ઉબકા,નબળાઇ અને ચક્કર જેવા લક્ષણો થઈ શકે છે.જો તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો ગરમીના થાક અથવા સંભવિત ઘાતક હીટસ્ટ્રોકમાં ફેરવાઈ શકે છે.

--હીટસ્ટ્રોકઅને હીટવેવથી બચવા આટલું કરો

કાળઝાળ ગરમીને કારણે હીટસ્ટ્રોકના કેસમાં પણ એકાએક વધારો થઈ ગયો છે.અત્યાર સુધી 72 જેટલા કેસ હીટ સ્ટ્રોકના નોંધાયા છે.ત્યારે હીટસ્ટ્રોકથી બચવા ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમાં કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવું,ગરમીમાં વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ,દિવસ દરમિયાન વારંવાર પાણી પીતા રહી શરીરને હાઇડ્રેશન રાખી શકાય,લીંબુ શરબત, જ્યુસ, છાશ સહિતના પીણાનો વધારે આગ્રહ રાખવો જોઈએ.પોતાને  ઠંડા રાખવાનો પ્રયાસ કરો,પોતાને ઠંડા રાખવાની સાથે સાથે તમારા ઘરને પણ ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે. તમારા ઘરને કાળા પડદા, પંખા અને એસીથી ઠંડુ રાખવું જોઈએ. જેથી તમે ઘરની અંદર આરામદાયક અનુભવ કરી શકો. રાત્રે પડદા ખોલી નાખવા જોઈએ. જેથી ઠંડી હવા અંદર આવી શકે.ઢીલા, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ જેથી ગરમીથી બચી શકાય.ભીના કપડાનો ઉપયોગ કરીને અથવા તેને પાણીથી ભીની કરીને તમારી ત્વચાને હાઇડ્રેટ રાખો.કાળઝાળ ગરમીમાં ભૂખ લાગે પરંતુ ભૂખ ન લાગે તો પણ હળવો ખોરાક લેવો જરૂરી છે.આહારમાં મોસમી શાકભાજી અને ફળો જેમ કે કાકડી, તરબૂચ, પરવલ અને વિટામિન સીથી ભરપૂર ફળોનો સમાવેશ કરો. ઉનાળામાં રેટ મીટ અને મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ.આલ્કોહોલ,ચા,કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સનું સેવન ન કરો કારણ કે આ પીણાં શરીરને ડીહાઇડ્રેટ કરે છે.

--હજુ પણ આફત બાકી છે

- હજુ પણ 4 દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી 
- આજે ગુજરાતના 13 જિલ્લામાં ઓરેન્જ અલર્ટની આગાહી  
- બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ઓરેન્જ અલર્ટ  
- સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગરમાં ઓરેન્જ અલર્ટ 
- આણંદ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં ઓરેન્જ અલર્ટ 
- પોરબંદર, સુરત અને વલસાડમાં ઓરેન્જ અલર્ટ 
- અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો અલર્ટ 
- પશ્વિમીથી ઉત્તર પશ્વિમી પવન ફૂંકાશે