ઉફ એ ગરમી! ગુજરાતમાં એક જ દિવસમાં ગરમીથી 16ના મોત

— સુરતમાં 9,વડોદરામાં 4 અને મોરબી, જામનગર, રાજકોટમાં 1-1ના મોત

— ગરમીના કારણે હાર્ટ એટેક,ડિહાઈડ્રેશનના કેસ વધ્યા
 

વર્તમાન સમયમાં પડી રહેલી ગરમી હવે જીવલેણ સાબિત થઇ રહી છે.તાપમાનનો પારો રેકોર્ડસ્તર પર જતા હવે અનેક લોકો માટે જિંદગીનો જંગ લઢવો પડે તેવી સ્થતિ આવી છે.ગુજરાતમાં અસહ્ય બની રહેલી ગરમીમાં એક જ દિવસમાં 16 લોકોના મોત નિપજ્યા છે.ગરમીમાં લૂ લાગવા સહિતના કારણે 16 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં સુરતમાં 9, વડોદરામાં 4 અને મોરબી, જામનગર, રાજકોટમાં 1-1ના મોત થયા છે. માત્ર વડોદરામાં જ અત્યાર સુધીમાં ગરમીથી કુલ 23 લોકોના મોત થયા છે. દિવસેને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધી રહ્યાં છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે.હાલ અમદાવાદની અસારવા સિવિલના હીટ સ્ટ્રોક વોર્ડમાં 5 દર્દી દાખલ છે.અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી.

— વડોદરામાં ગરમી અત્યારસુધી 23ને ભરખી ગઈ

વડોદરામાં રેકોર્ડબ્રેક ગરમી જીવ લઇ રહી છે.45 ડિગ્રી ગરમીમાં વડોદરા ભઠ્ઠીમાં શેકાય રહ્યું છે અને હીટવેવના કારણે એક પછી એક મોતનો આંકડો પણ વધી રહયૉ છે.ગરમીના કારણે વધુ 5ના મોત સાથે જ આંકડો 23 પર પહોંચ્યો છે.ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વધુ 5ના મોત થયા છે. વડોદરામાં વર્ષ 2016 માં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો ગતરોજ તાપમાનનો પારો 45 ડિગ્રી ઉપર પહોંચી જતા નગરજનોની હાલત કફોડી બની હતી.

— એક જ દિવસે 9 જિંદગીઓ હતી ન હતી થઇ..!

સુરતમાં આકરી ગરમીના કારણે વધુ 9નાં મોત નિપજ્યા છે. ગરમીના કારણે લૂ, ડીહાઇડ્રેજન તેમજ ઝાડા ઉલ્ટીના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સુરત સિવિલમાં 3 અને સ્મીમેર હોસ્પિટલમાં 1 દર્દી લૂને પગલે સારવાર હેઠળ છે. બેભાન, તાવ બાદ બેભાન, ગરમીનો તાપ લાગતા, ગભરામણ, ખેંચ આવતા મોતના કારણ બની રહ્યાં છે. તેથી બપોરના સમયે ઘરની બહાર કામ વગર નહિ નીકળવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.

— ગરમીની સૌથી વધુ અસર વૃદ્ધો પર

હીટવેવના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે.મૃત્યુઆંક 30 ટકાનો વધારો થયો છે.ત્યારે ગરમીની સૌથી વધુ અસર વૃદ્ધોને થઈ રહી છે. વડીલોની નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણે ગરમીની અસર જલદી થાય છે. 40 ડિગ્રીથી વધુ તાપમાન જતાં જ હીટવેવની શક્યતાઓ વધી જાય છે.છેલ્લા 3 દિવસથી અમદાવાદની સાથે સાથે અમરેલી, સુરેન્દ્રનગર, કંડલા, ઈડર અને ગાંધીનગરમાં તારમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે આ સ્થિતિમાં રોજના સવાસોથી દોઢસો કેસ હીટ સ્ટ્રોકના અને તેની સંબંધિત બિમારીના આવી રહ્યા છે.અમદાવાદ પહેલું એવું શહેર બન્યું કે જ્યાં હીટવેવ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો.

— ગરમીએ અનેકોને બીમાર કર્યા  

ભારે ગરમીને કારણે ગુજરાતમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે. લોકોને ગરમીને કારણે તાવ આવવાની ફરિયાદો વધી છે.તો સાથે જ પેટમાં દુખાવો,ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યાં છે. લોકોને ગરમીની અસર થવાથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના કોલ પણ વધી ગયા છે. ગુજરાતમાં એમ્બ્યુલન્સ સર્વિસને ગરમીને લગતી વિવિધ બીમારીના ૫૨૯ ઈમરજન્સી કોલ્સમા વધારો થઈ રહ્યો છે.

— આ છે હીટવેવના લક્ષણો

માથુ દુખવુ, પગની પીંડીમા કળતર
શરીરનું તાપમાન વધી જવુ
ખુબ તરસ લાગવી
પરસેવો, પેશાબ ન થવો
ચામડી લાલ,સુકી થવી
ઉલટી,ઝાડા,ઉબકા ચક્કર આવવા
આંખે અંધારા આવવા,બેભાન થઇ જવુ
મુંઝવણ થવી
ખેંચ આવવી.
સ્નાયુઓમાં દુખાવો થવો
ખૂબ પરસેવો અને અશક્તિ આવવી. 
અળાઇઓ નીકળવી.  


— ગરમીથી બચવાના ઉપાય  

હીટ વેવ દરમ્યાન બહાર ન નીકળવુ
ખુબ પાણી પીવુ 
સફેદ, સુતરાઉ કપડા પહેરવા
છત્રી/ટોપી/સ્કાફનો ઉપયોગ કરવો.
લીંબુ શરબત, મોળી છાશ,નાળિયેરનું પાણી ઓ.આર.એસ પુષ્કળ પીવું.
બહારનું ખાવાનુ ટાળવું.
ઉપવાસ ટાળવો.
ભારે શારીરિક પવૃત્તિ ટાળો.
બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી. 
તાજા ફળો અને શાકભાજી ખાવા. 
તીખું ખાવાનુ ટાળવું. 
આહારમાં વધુ પળતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનુ ટાળવું. 
ચા-કોફી અને સોડા વાળા પીણા પર નિયંત્રણ રાખવુ. 
કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો. 
ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો. 
નાના બાળકો, વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.