નેતાઓ જનતામાં પણ રાખો રુચિ...

---પ્રજાના પ્રશ્નોને નજર અંદાજ , મલાઈદાર કામોમાં નિષ્ઠા !

ચૂંટણી પૂર્ણ થતા જ પ્રજા સેવાના પ્રણને ભૂલી મેવા ખાતા નેતાઓ પ્રત્યે જનતામનો છૂપો રોષ જગ જાહેર છે. અને સુમસામ ભાસતી નેતાઓની કચેરીઓ તેનું પ્રતિબિંબ છે. જેથી હાલ હોદા મેળવવા દોડધામ કરતા નેતાઓ લોકશાહીના હિતમાં  પ્રજાકાર્યો માટે પણ રસ દાખવે તે જરૂરી બન્યું છે,

ભારતની  લોકશાહી વિશ્વ માટે પ્રેરણારૂપ છે. જેમાં દરેક વ્યક્તિ સ્વતંત્રતા સાથે પોતાના ગામ, શહેરને સમૃદ્ધ બનાવવા મતાધિકારનો ઉપયોગ કરી નેતાઓને ચૂંટે છે. અને તેઓ આશા રાખે  છે કે,  ચૂંટીને મોકલેલ નેતાઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપશે. પરંતુ,ચૂંટણી ટાણે ગલીએ - ગલીએ ફરતા નેતાઓની તાજપોશી થતા જ  જાણે કેટલાક નેતાઓ મિસ્ટર ઇન્ડિયાની મુવીઝ માફક અદ્રશ્ય બની જાય છે. અને જેમના કારણે તેઓની તાજપોશી થઇ છે તેઓને મળવા માટે સમય કાઢવામાં પણ કચવાટ અનુભવે છે. રામના નામે પથ્થર તરે તેમ મોદી લહેર વચ્ચે નેતાઓની નૌકા પણ વિના વિઘ્ને ચૂટણીનો દરિયો ખેડી નાખે છે. પરંતુ, તેમાં પ્રજાના અમૂલ્ય મતનું યોગદાન ભૂલવું ન જોઈએ. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે  પ્રાથમિક સુવિધા અને ભ્રષ્ટાચાર અંગેની બૂમો ઉઠી રહી છે. હજુ પણ  મોટાભાગના વિસ્તારોમાં  પીવાના  પાણી, સારા રસ્તા તથા ડ્રેનેજની ફરિયાદો છે. તો ગ્રામ્ય વિસ્તારોની તો વાત જ શું કરવી. પ્રશ્નોનું નિરાકરણ ન થતા  નેતા ગુમ છે, ચૂંટણી બહિષ્કાર તેવા બેનરો સાથે પ્રજા નારાજગી દર્શાવે છે તો ક્યાંક નેતાઓનો ઘેરાવો પણ કરી રોષ વ્યક્ત કરતી હોવાની ઘટનાઓ ઘટી રહી છે. ખાસ કરીને હાલ  હોદ્દા ભોગવતા નેતાઓની ટર્મ પૂર્ણ થતા હોદા મેળવવા ગોડ ફાધરોના શરણે જવાની સાથે ચાપલૂસિયાઓની હોડ લાગી છે, અને માનતાઓ રાખી અનેક પ્રવાસ પણ ખેડી રહ્યા છે. જયારે જેઓની ટર્મ પૂર્ણ થઇ છે તેઓ માનીતા કોન્ટ્રાકટરોને તથા પોતાને થાય તેટલા ફાયદા વાળા કામો રજુ કરી સમસ્યાના નિરાકરણ માટે આવતી પ્રજાને બાય બાય ચારણી કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અગાઉ રાજાશાહી સમયે અનેક પ્રજાહિતના કામો આજે પણ વખણાય છે. જયારે આજે  તે પ્રકારના આયોજનની ઉણપ આંખે ઉડી વળગે છે.