ડિજિટલ ક્રાંતિ વચ્ચે ફ્રોડના કિસ્સા લાલબત્તી સમાન

---એક ભૂલ - લાલચ જીવનભરની કમાણી અથવા આબરૂ ગુમાવવાને આપશે નોતરું

દેશમાં ડિજિટલ ક્રાંતિ વચ્ચે ઓનલાઇન ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો લાલબત્તી સમાન છે. આપની એક ભૂલ અથવા લાલચ જીવનભરની કમાણી અથવા આબરૂ પળભરમાં ગુમાવી નાખશે. જેથી ટૂંક સમયનો લાભ આપનું ભવિષ્ય ન જોખમે તે બાબતની કાળજી સ્વયંએ રાખવી અનિવાર્ય છે.

આજના આધુનિક યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર જેવા ચલણે યુવા વર્ગમાં આંધળી દોટ મૂકી છે.  તેમાંય હવે તો નાના મોટા સહુ કોઈ આ સાંકળમાં સંકળાય ગયા છે. ડિજિટલ ક્રાંતિના અઢળક ફાયદા સાથે હવે નુકશાની વેઠવાનો પણ વખત આવ્યો છે. જેમ કે, હાલ ઓનલાઇન ફ્રોડની ઘટનાઓમાં ચિંતાજનક સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં મુખ્યત્વે વાહન ,પશુ સહીતની અન્ય ચીજ વસ્તુના ખરીદ વેચાણ, શોર્ટ ટર્મ લોન, ઓનલાઇન જોબ ટાસ્ક, લગ્ન ઇચ્છુક યુવક યુવતી જેવા વિષયો ટાર્ગેટ પર હોય છે.  લોકો દિનપ્રતિદિન ઓનલાઇન છેતરપિંડીનો  શિકાર બની લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. ભેજાબાજો અવનવી તરકીબો અજમાવી લોકોને છેતરતા પોલીસ પણ ચિંતિત બની છે, અને આ બાબતે લોકોમાં જાગૃતતા લાવવાની સાથે આ પ્રકારની ઘટના ઉપર અંકુશ મેળવવા બનતા પ્રયાસો કરી છે. તાજેતરમાં સ્ટેટ તથા નેશનલ લેવલે આ પ્રકારની છેતરપિંડી આચરતી  ગેંગ પણ ઝડપાઇ હતી. ત્યારે આ બાબતે લોકોએ હવે સતર્કતા દાખવવી જરૂરી છે નહિ તો, જીવનભરની મૂડી તથા આબરૂ ગુમાવવાનો વખત આવી શકે છે. અને વધુ વળતરની લાલચ  અથવા લોભામણી જાહેરાતોથી દુરી રાખવી હિતાવહ છે. કારણ કે, આજના દેખાદેખીના જમાનામાં રાતોરાત લખપતિના સપના નિહાળતાની ભેજાબાજો જોઈ રહ્યા છે વાટ.