વડોદરામાં નેશનલ હાઇવે, ફ્રેઇટ કોરિડોર અને બૂલેટ ટ્રેનના પ્રોજેક્ટનું જીઓ મેપિંગ કરાશે

— જીઓ મેપિંગના કારણે ભવિષ્યમાં આપત્તિ વ્યવસ્થાપનમાં સુચારૂ રીતે સંકલન થઇ શકશે

— વરસાદી પાણી ભરાવાથી થતી સમસ્યાના નિવારણ માટે જિલ્લા કક્ષાની કાયમી સમિતિની રચના

— વડોદરા જિલ્લામાં રચિત સમિતિની પ્રથમ બેઠક મળી

વર્ષાઋતુ દરમિયાન વરસાદી પાણીના ભરાવને કારણે થતી સમસ્યાના લાંબા ગાળાના નિરાકરણ માટે વડોદરા જિલ્લામાં પ્રથમ વખત એક વિશેષ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. કલેક્ટર અતુલ ગોરની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિમાં સંબંધિત કચેરીઓના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિની પ્રથમ બેઠક આજે કલેક્ટર કચેરીમાં મળી હતી. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ દ્વારા કરાયેલા ઠરાવમાં જણાવાયું છે કે, તાજેતરના કેટલાક વર્ષોમાં રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના બનાવો બન્યા છે. વર્ષાઋતુ કે વાવાઝોડામાં રહેણાંક વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઇ જવાની પણ સમસ્યા ધ્યાને આવે છે. આ ઉપરાંત માર્ગો ઉપર અકસ્માતો પણ થાય છે.

આ સમસ્યાના કારણોમાં વરસાદી પાણીના નિકાલના કુદરતી માર્ગોમાં અવરોધ છે. આ કુદરતી માર્ગો પૂરાઇ જવાથી, સાફ ના થવાથી વરસાદી પાણીનો ભરાવો છે. આવી મુશ્કેલીઓના નિવારણ માટે ટૂંકા અને લાંબા ગાળાના આયોજન કરવું જરૂરી છે. આથી રાજ્ય કક્ષા તથા જિલ્લા કક્ષાએ સમિતિ બનાવવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે આજે આ સમિતિની પ્રથમ બેઠક મળી હતી. જેમાં રેલ્વે, ફ્રેઇટ કોરિડોર, હાઇસ્પીડ રેલ કોરિડોર, એક્સપ્રેસ હાઇવે, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં પાછલા અનુભવોને ધ્યાને રાખીને જ્યાં પાણી ભરાતા હોય એવા સ્થળોનું જાત નિરીક્ષણ કરી તેના નિરાકરણ માટેના પગલાં સૂચવવા માટે કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામા આવી હતી. પ્રાંત અધિકારીઓ અને ઉક્ત પ્રોજેક્ટના અધિકારીઓની સંયુક્ત મુલાકાત બાદ જે સ્થળે પાણી ભરાતા હોય તેવા સ્થળની સમસ્યા નિવારણ માટે ટૂંકાગાળાના અને લાંબા ગાળાના આયોજન અંગેની રૂપરેખા સપ્ટેમ્બર માસના અંત સુધીમાં આપવા જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટ મહેસુલ વિભાગમાં સબમિટ કરાવવામાં આવશે.

---જીઓ મેપિંગ ગુજરાતમાં પ્રથમ વખત વડોદરા વહીવટી તંત્ર દ્વારા થઇ રહ્યું છે

વડોદરા ખાતે વાહનવ્યવહારના કેન્દ્ર સરકારના અનેક પ્રોજેક્ટ કાર્યરત છે. ખાસ કરીને નેશનલ હાઇવે, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, બૂલેટ ટ્રેનના કામ ચાલી રહ્યા છે. ત્યારે આ પ્રોજેક્ટનું જીઓ મેપિંગ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. એક જ નકશામાં અક્ષાંશ અને રેખાંશ સાથે પ્રોજેક્ટની માહિતી આપવાથી ભવિષ્યમાં આપત્તિ વ્યવસ્થાપનમાં સુચારૂ રીતે સંકલનની કામગીરી થઇ શકે. આ પ્રકારે પ્રોજેક્ટનું જીઓ મેપિંગ ગુજરાતમાં પ્રથમ વખત વડોદરા વહીવટી તંત્ર દ્વારા થઇ રહ્યું છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પોલીસ અધિક્ષક રોહન આનંદ, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.