રાજ્યમાં જર્જરિત મિલ્કતો બની લોકો માટે જોખમી

— નોટિસ થકી નજર અંદાજ વચ્ચે અનેક દુર્ઘટનાઓ

રાજ્યના અનેક શહેરોમાં જર્જરિત મિલ્કતો અવારનવાર દુર્ઘટનાઓ સર્જી રહી છે. કાયદાના કાવાદાવા વચ્ચે જોખમી ઇમારતોનું ડીમોલેશન ન થતા લોકોના જીવ સામે સંકટ તોળાઈ રહ્યો છે. ત્યારે આ બાબતની ગંભીરતા જોઈ સરકારે ચોક્કસ આયોજન થકી જોખમી ઇમારતો દૂર કરવા પગલાં ભરવા પડશે. નહિ તો, ભવિષ્યમાં જર્જરિત ઇમારતો લોકોના જીવ માટે સંકટ બની રહેશે.

રાજ્યમાં અનેક બહુમાળી / વિવાદિત ઇમારતો જર્જરિત બનતા લાંબા સમયથી જૈસે થે પરિસ્થિતિમાં જોવા મળે છે. આવી જ પરિસ્થિતિ ખાસ કરીને  શહેરોના જુના સીટી વિસ્તારોમાં આવેલ રહેણાંક મકાનોની પણ છે.  ચોમાસાની ઋતુ દરમ્યાન અનેક ઠેકાણે મકાનો ઘસી પડવાની ઘટનાઓ ઘટે છે. જેમાં લોકોને ઇજા થવાની સાથે મોત નિપજવાના કિસ્સાઓ પણ સામે આવી ચુક્યા છે. તેમ છત્તા હજુ મોટાભાગની આવી જર્જરિત મિલકતોમાં લોકો બિન્દાસ્ત વસવાટ કરી જીવને જોખમમાં મૂકી રહ્યા છે. તંત્ર પોતાની સાઈડ સેફ કરતી હોય તેમ પ્રતિવર્ષ માત્ર જર્જરિત મિલ્કતો સંદર્ભે નોટિસ ઈશ્યુ કરી સંતોષ માની છટકબારી શોધે છે. અગાઉ અનેક વખત નોટિસ પાઠવ્યા બાદ પણ દુર્ઘટનાઓ ઘટી ચુકી છે. તેમ છતાં તંત્ર ઠોસ પગલાં ભરી રહ્યું નથી. હા, તાજેતરમાં કેટલીક આ પ્રકારની મિલકતોમાં પાણી, વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી કડકાઈ દાખવ્યા બાદ કામગીરી કોરાણે મૂકી દીધી છે. આવી મિલકતો કોર્ટ કેસ સહિતના કારણોસર વિવાદમાં હોય જેથી ચોક્કસ કામગીરી બાબતે પણ અસમંજસ રહેતી હોય છે. તો બીજી તરફ મોટાભાગની સરકારી કચેરીઓ જ વર્ષો જૂની હોવાથી જર્જરિત બનતા તે બાબતે વહેલીતકે નવું આયોજન હાથ ધરાતું નથી , તો પછી અન્ય શું અપેક્ષા રાખવી.અત્રે નોંધનીય છે કે, સરકાર પાસે જોખમી ઇમારતોની ઝીણવટ ભરી માહિતી હોય તાત્કાલિક ધોરણે જોખમી મિલ્કતો કઈ રીતે દૂર થઇ શકાય  તે બાબતે આયોજન હાથ ધરી લોકોના જીવની સુરક્ષાનું માટે તત્પર બનવું જોઈએ.