ટ્રાફિક મુદ્દે કડકાઈ થતા હવે પોલીસ સામે પણ આક્ષેપ

પોલીસની મીઠી નજર હેઠળ નિયમ વિરુદ્ધ દોડતા વાહનો

ટ્રાફિક મુદ્દે પોલીસે કડકાઈ દાખવવાની સાથે જ પોલીસ કામગીરી સામે પણ વ્હાલાદવલાંની નીતિના આક્ષેપ થઇ રહ્યા છે. સામાન્ય જનતાને દંડનો ડંડો પછાડતી પોલીસ સરેઆમ કાયદાઓનું ઉલ્લઘન કરતા બેદરકારો સામે આંખ આડા કાન કરતા બે ધારી નીતિ સામે આવી છે. ખાસ કરીને સુવિધા સુરક્ષા વિના નિયમ વિરુદ્ધ મુસાફરો ભરી દોડતા વાહનો પોલીસને ઓછા નજરે ચડતા સવાલો ઉદ્ભવે છે. ત્યારે કાયદા તમામ  માટે સમાનની નીતિ અપનાવાય  તો જનતામાં પોલીસ અને કાયદા પ્રત્યે વિશ્વાસ વધુ  દઢ બનશે.

રાજ્યમાં પોલીસે બેદરકારોને ટ્રાફિક નિયમનના પાઠ  ભણાવવા માટે કડકાઈ દાખવી છે. જે ખુબ સારી બાબત છે. જો કે , કામગીરી દરમ્યાન  વહલાદવલાંની નીતિ પોલીસ સામે શંકા ઉપજાવતા બે મોઢાની વાતો થાય છે. જેના કારણે લોકોનો કાયદા પ્રત્યેનો વિશ્વાસ ડગે છે. દેશમાં સામાન્ય નાગરિક હોય કે પ્રધાન મંત્રી કાયદા તમામ માટે સમાન છે. પરંતુ, સામાન્ય જનતાને દંડનો દંડો ફટકારતી પોલીસ કાયદાઓનું ઉલ્લઘન કરનાર બેદરકારો સામે આંખ આડા કાન  કરતા પોલીસની બેધારી નીતિ સામે આવે છે. વાત કરીએ તો,શાળા કોલેજોમાં  સ્કૂલ વાન, રીક્ષામાં નિયમ વિરુદ્ધ વિદ્યાર્થીઓ ખીચોખીચ ભરવામાં આવે છે. આ વાહનોમાં અકસ્માત સમયેની જરૂરી સુવિધા- સુરક્ષા પણ હોતી નથી. પોલીસની નજર સમક્ષ  જ  શાળા વર્ધી ચાલકો બિન્દાસ્ત ટ્રીપો મારી કાયદાની  ઐસી તૈસી કરે છે. અને પોલીસ સાથે આરટીઓ વિભાગ પણ આંખ આડા કાન કરતુ હોય છે. અત્રે નોંધનીય છે કે, ગતરોજ વડોદરા શહેરમાં એક સ્કુલવાનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. તેમજ અગાઉ પણ સ્કૂલ વાન પલટી જવાના કિસ્સા સામે આવી ચુક્યા છે. ખાસ કરીને હાલ દેખાદેખીમાં સગીર વયના બાળકો પણ શાળાઓમાં વાહનો લઇ પહોંચે છે તે ચિંતા જતાવે છે. આ ઉપરાંત તમામ શહેરોની એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ ઉપર ગેરકાયદે મુસાફરી સાથે સરકારને નુકશાન પહોંચાડવાનો ધંધો પણ ધમધમી રહ્યો છે.