કારાવાસમાં જન્મેલા ભગવાન શ્રી કૃષ્ણના જીવનનો 'અધ્યાય'

— ભગવન વિષ્ણુના અવતારોમાં મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો

— શ્રી કૃષ્ણ કરોડો હિંદુઓના આરાધ્ય દેવ

આજે જન્માષ્ટમી ! ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ ! હજારો વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મામા કંસના કારાવાસમાં થયો હતો,દ્વાપરમાં શ્રીકૃષ્ણ ભગવાને માતા દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં જન્મ લીધો હતો. હિંદુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ-વદ ના આઠમા દિવસને વિષ્ણુ ભગવાનના અવતાર શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાસ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામ ધુમથી ઉજવવામાં આવે છે.ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે.આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. શ્રી કૃષ્ણના જન્મ સમયે ચારે બાજુ પુષ્કળ પાપકૃત્યો અને અધર્મ ફેલાયો હતો.અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો.શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપુર્ણ થઈને અવતરિત થયા હતા.તેમણે જે પણ કાર્યો કર્યા એ ઇતિહાસમાં મહત્વપુર્ણ કાર્યો તરીકે બધે ગવાય છે.પૃથ્વી પરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવાના પોતાના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે તેમણે સામ-દામ-દંડ-ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો.શ્રી કૃષ્ણે કરેલી લીલાઓ અપાર છે. શ્રી કૃષ્ણ કરોડો હિંદુઓના આરાધ્ય દેવ છે.ભગવાન શ્રીકૃષ્ણ મંદિરોમાં અને ઘરે ઘર ભક્તિભાવથી પૂજાય છે.

--- યદા યદા હી ધર્મસ્ય..ધર્મની સ્થાપના કરવા માટે કૃષ્ણએ સામ-દામ- દંડ- ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો...

શ્રીકૃષ્ણએ આ પૃથ્વી પરથી અધર્મને જળમૂળથી ઉખાડી ફેંક્યો અને તેની સ્થાને ધર્મને સ્થાપિત કરી,બધા જ દેવતાઓમાં શ્રીકૃષ્ણ જ એવા હતાં જે આ પૃથ્વી પર સોળ કળાઓથી પરિપુર્ણ થઈને અવતરિત થયા હતાં. તેમણે જે પણ કાર્યો કર્યા તેને પોતાના મહત્વપુર્ણ કાર્યો સમજ્યાં હતાં. પોતાના કાર્યોને સિદ્ધ કરવા માટે તેમણે સામ-દામ- દંડ- ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો. કેમકે તેમનો આ પૃથ્વી પર અવતાર લેવાનો એક જ ઉદ્દેશ્ય હતો કે પૃથ્વીપરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવો. પોતાના આ ઉદ્દેશ્યને પુર્ણ કરવા માટે તેમને જે યોગ્ય લાગ્યું તે તેમણે કર્યું. તેમણે કર્મ વ્યવસ્થાને સર્વોપરી માની કુરૂક્ષેત્રની ભૂમિમાં અર્જુનને જ્ઞાન આપતાં તેમણે ગીતાની રચના કરી હતી જે આજના કળયુગની અંદર હિંદુ ધર્મમાં સૌથી મહત્વની છે.

--- રાધાની આંખો વરસે છે, જ્યારે કૃષ્ણનું હૈયું વરસે છે

ગોકુળમાં જેટલો સમય કૃષ્ણ વસે છે, ઉત્સવોનો મહિમા થાય છે. તેના ઉત્સવોમાં ભવ્યતા નથી, દિવ્યતા છે. તે દ્વારિકાધીશ બને છે, સુવર્ણમુકુટ ધારણ કરે છે, પણ વનનું મોરપિચ્છ શિખર પર રહે છે. ઇન્દ્રનો ગર્વ ગાળવા તે ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચકે છે. કાલીયમર્દન કરીને નદીને સ્વચ્છ કરે છે. ગોપીનાં ચીર હરે છે.રાધાને કૃષ્ણે ચાહી છે, તો રાધા પણ ઓછી કૃષ્ણઘેલી નથી. આ બેને જોડે છે વાંસળી. વાંસની વાંસળી કૃષ્ણે કરી અને એમાંથી નિપજાવ્યું એવું સંગીત જે આજે પણ રસ તરબોળ રાખે છે.રાધાકૃષ્ણ પ્રેમનાં અમર પ્રતીકો છે, તે એટલે કે એ અનંત વિરહનું પરિણામ છે. બંનેએ સિદ્ધ કર્યું છે કે સ્નેહ, વ્રેહનો જ પર્યાય છે. પ્રેમ સનાતન નથી, વિરહ જ ચિરંજીવી છે. કૃષ્ણને કદાચ હાસ્ય નથી, એને સ્મિત જ છે. એ જ સ્થિતિ રાધાની છે. કૃષ્ણની વિદાય પછીની રાધા, ઊઠી ગયેલા મેળા જેવી છે. રાધાની આંખો વરસે છે, જ્યારે કૃષ્ણનું હૈયું વરસે છે એટલે આંસુ આંખો સુધી આવતાં નથી.

--- કણ કણમાં શ્રી કૃષ્ણ..જે જોવા જોઈએ દિવ્યદ્રષ્ટિ

શાસ્ત્રમાં ભગવાન શ્રીકૃષ્ણની સર્વવ્યાપક્તાનું નિરૂપણ કરવામાં આવ્યું છે, કે ભગવાન બધી જગ્યાએ વ્યાપક છે.કણ કણમાં શ્રી કૃષ્ણ છે.ગીતાજીનો જે ૧૧મો અધ્યાય છે એ વિશ્વરૂપ દર્શન યોગ છે. ત્યારે અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે, "તમે જે વિભૂતીનું વર્ણન કર્યું તેના મારે દર્શન કરવા છે." ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે, "હે અર્જુન ! તું મારું સ્વરૂપ જો - મારી અંદર પર્વતો છે, નદીઓ છે, સપ્તદ્વીપ છે, સમગ્ર બ્રહ્માંડો છે. આ બધું જ મારી અંદર છે." ત્યારે અર્જુને કહ્યું કે, "હે કેશવ ! મને એવું કશું જ દેખાતું નથી." ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે, "હે અર્જુન ! મારા સ્વરૂપને જોવું હોય તો ચર્મચક્ષુથી નહીં દેખાય. એના માટે જોઈએ દિવ્યદ્રષ્ટિ." તો ગીતાજીનો પ્રસંગ સમજાવે છે કે, શ્રી કૃષ્ણ તો કણ કણમાં છે માણસે માત્ર એ દિવ્યદ્રષ્ટિ કેળવવી પડશે.

ભગવાન કૃષ્ણ વિષે જાણવા જેવી ખાસ વાત...

--- ભગવાન શ્રી કૃષ્ણનું પૃથ્વી પર આયુષ્ય 125 વર્ષ, 7 મહિના અને 7 દિવસ
--- સંશોધન અનુસાર કૃષ્ણ પૃથ્વીલોક પરથી વિદાય થયાને 5123 જેટલા વર્ષો થયાં
--- કૃષ્ણના જન્મની કાશી સ્થિત વેદાન્ત પંડિત સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીએ કોમ્પ્યુટર, પુરાણો, શાસ્ત્રો અને મહાભારતના તલસ્પર્શી અભ્યાસ બાદ કરેલી ગણતરી
--- શ્રી કૃષ્ણની બનાવાયેલી જન્મકુંડળી પ્રમાણે તેમનો જન્મ ઇસ પૂર્વે 20-21 જુલાઈ 3228 ને રવિવાર-સોમવારે રાત્રે 12 વાગ્યે મથુરામાં થયો હતો
--- ઇસ પૂર્વે 3102ની 18મી ફેબ્રુઆરીને શુક્રવારે 2 કલાક 7 મિનિટ અને 30 સેકન્ડે ભાલકા તીર્થમાં મહાપ્રસ્થાન કર્યું
--- મહાભારતના યુદ્ધ બાદ 35 વર્ષ સુધી પાંડવોએ શાસન કર્યું, કૃષ્ણના મહાપ્રયાણબાદ પાંડવોએ પણ દેહત્યાગ કર્યો
--- ઈસુ પર્વે 3228 અને ઈસુના હાલ 2021 ગણતા કૃષ્ણનો 5249 મો જન્મોત્સવ