ગણેશોત્સવમાં છવાશે રામ રાજ્ય.....

ભગવાન શ્રીરામ સ્વરૂપે શ્રીજી પ્રતિમાઓનો ભક્તોમાં ભારે ક્રેઝ

રામમંદિર, ચંદ્રયાન ડેકોરેશન પ્રસિદ્ધિની પાંખોમાં વધુ એક પીછું ઉમેરશે

ગણેશોત્સવ પર્વની ઉજવણીના થનગનાટ વચ્ચે આ વર્ષે ભક્તોમાં ભગવાન શ્રીરામના સ્વરૂપે શ્રીજીની પ્રતિમાઓના ક્રેઝના કારણે ચારે તરફ ભગવો લહેરાય રહ્યો છે. તો સાથે ભવ્ય નિર્મણાધીન અયોધ્યા રામ મંદિર અને  ભારત સિદ્ધિની ગાથા દર્શાવતુ ચંદ્રયાન -3નું ડેકોરેશન પણ આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે પ્રસિદ્ધિની પાંખોમાં વધુ એક પીછું ઉમેરશે.

આગામી 19 સપ્ટેમ્બર મંગળવારના રોજ ગુજરાત રાજ્ય સહીત સમગ્ર દેશમાં ગણેશોત્સવ પર્વની ઉજવણી થશે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ભક્તો શ્રીજીની  સ્થાપના માટે પંડાલ, ડેકોરેશન સહિતની તૈયારીઓમાં જોતરાયા છે. હાલ ભક્તો ભારે હર્ષોલ્લાસ સાથે  શ્રીજીની ભવ્ય શોભયાત્રાઓ લઇ જતા નજરે ચડતા માહોલ ભક્તિમય બન્યો છે. તો બીજી તરફ મૂર્તિકારો પણ અવનવી પ્રતિમાઓને આખરી ઓપ  આપ્યો છે. જેમાં શ્રીજીની શણગાર વાળી નાની પ્રતિમાઓ સહુ કોઈનું ધ્યાન ખેંચી રહી છે. ગણેશોત્સવ દરમ્યાન વિવિધ થીમ ઉપર પણ શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને હાલ ચંદ્રયાન , અયોધ્યા મંદિર અને ભગવાન શ્રીરામની થીમ પર પ્રતિમાઓ ક્રેઝ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના સ્થળોએ આ વર્ષે ભગવાન શ્રીરામના સ્વરૂપે શ્રીજી બિરાજમાન થાય તેમ જણાય છે. તો વળી, અવકાશી ક્ષેત્રે ભારતને સિદ્ધિ અપાવનાર ચંદ્રયાન-3 વિક્રમ લેન્ડર તથા અયોધ્યામાં નિર્મણાધીન ભવ્ય રામ મંદિરની ઝાંખી દર્શાવતા ડેકોરેશન અને પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત નામકિત મુવીઝના પાત્રોના રૂપમાં પણ અંકિત શ્રીજીની પ્રતિમાઓ ચર્ચાનું કેન્દ્ર બનશે.