રાજ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ નથી?

પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ સાથે ખુલ્લેઆમ ઉપયોગ

રાજ્યમાં પર્યાવરણને હાનિ પહોંચાડતાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન અને વેચાણ ઉપર સંપૂ્ર્ણ પ્રતિબંધ હોવા છતાં તંત્ર આકરા પગલા લેવામાં સ્થાને ગોકળગાયની ગતિએ કામગીરી કરી રહી છે. જાણે, મહિને હપ્તા વ્યવસ્થા ગોઠવાઇ હોય તેમ પ્લાસ્ટિકનાં કારખાના અને હોલસેલ-છુટક વેપારીઓ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિક જેમ કે પોલીથીન, ફોઈલ, સ્ટ્રો વગેરે પર્યાવરણને ઘણું નુકસાન પહોંચાડે છે. આ પ્રકારના પ્લાસ્ટિકને ફરીથી રિસાયકલ કરી શકાતું નથી, જેના કારણે તેના ઉપયોગથી ઘણો કચરો પણ ફેલાય છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર ભારતમાં દર વર્ષે 2.4 લાખ ટન સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. જેથી કેન્દ્રની મોદી સરકારે વીતેલા વર્ષે જુલાઈ મહિના દરમ્યાન દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેમાં પ્લાસ્ટિક કેરી બેગ, પોલિઇથિલિન (75 માઇક્રોનથી ઓછી જાડાઈ), પ્લાસ્ટિકની લાકડીઓ સાથે કાનની કળીઓ, ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિકની લાકડી, પ્લાસ્ટિક ફ્લેગ્સ, કેન્ડી સ્ટિક, આઈસ્ક્રીમ સ્ટિક, થર્મોકોલ (પોલીસ્ટાયરીન), પ્લાસ્ટિક પ્લેટ, પ્લાસ્ટિક કપ, પ્લાસ્ટિક ચશ્મા, કાંટા, ચમચી, છરી, સ્ટ્રો, ટ્રે, ફિલ્મ રેપિંગ અથવા સ્વીટ બોક્સ પેકિંગ, આમંત્રણ કાર્ડ, સિગારેટના પેકેટ, પ્લાસ્ટિક અથવા પીવીસી બેનરો 100 માઇક્રોનથી ઓછા સહિતની ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે. અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ (EPA)ની કલમ 15 હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર કાર્યવાહીનુ જણાવ્યું હતું. આ પ્રતિબંધથી ગુજરાતના  અસંખ્ય નાના અને મધ્યમ ઔદ્યોગિક બંધ થઇ ઘણા લોકોની આજીવિકાનો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. એક બાજુ પર્યાવરણનું રક્ષણ  કરવા જઈએ તો લોકોની આજીવિકા ખોરવાઈ જાય. જેથી ઉદ્યોગને નુકસાન ન જાય અને બેરોજગારીની સ્થિતિ ન સર્જાય. સરકારની પોતાની એક વેસ્ટમેનેજમેન્ટ બોડી હોવી જોઇએ અને સિંગલ યુઝ પ્લાસ્ટીકને લઇને દેશભરમાં એક જ પોલીસી હોવી જોઇએ. અત્રે નોંધનીય છે કે, પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવો એ કયારેય કોઈ પણ દેશમાં અસરકારક સાબિત થયો નથી.જેથી કાયદાની સાથે સાથે જાગૃતિ અને વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી થશે તો જ આપણે પર્યાવરણને પ્લાસ્ટિકના પ્રદુષણથી મુક્ત રાખી શકીશું.