ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટીને વધુ નવા સ્તરે પહોંચાડવા માટે સતત કંઈક નવી યોજનાઓ બનાવવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે હવે સરકાર ગિફ્ટ સિટીમાં એફ1 ટ્રેકની શક્યતાઓને ચકાસી રહી છે. ભારતમાં મોટર સ્પોર્ટ્સ અંગેનો ક્રેઝ ઘણો છે, જોકે, દેશમાં અત્યાર સુધી માત્ર ગ્રેટર નોયડા ખાતે જ એકમાત્ર એફ1 સર્કિટ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગિફ્ટ સિટીમાં ફોર્મ્યુલા-1 રેસિંગ ટ્રેકની ફિઝિબિલિટી ચકાસવા અને તે માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરવા માટેની એજન્સી માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. એજન્સીઓ 29મી જાન્યુઆરી સુધીમાં આ માટે અરજી કરી શકશે.