આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની પુણ્યતિથિ છે. નવસારીથી ૨૨ કિ.મી.ના અંતરે આવેલ દાંડી ખાતે ૧૯૩૦માં દાંડીયાત્રા શરૂ કરતા પહેલા ગાંધીજીએ કહેલુંકે કાગડા કુતરાના મોતે મરીશ પણ સ્વરાજય લીધા વિના સાબરમતી આશ્રમ પાછો નહી ફરુ. ૬૧ વર્ષની ઉંમરે ૨૪૧ કિ.મી.યાત્રા ગાંધી બાપુઍ ચાલતા કરીને અંગ્રેજ સરકારે મીઠા પર નાંખેલા વેરાનો વિરોધ કર્યો હતો. અને તા.૬ઠ્ઠી એપ્રિલ ૧૯૩૦ ના રોજ ગાંધીજીએ બ્રિટીશ સામ્રાજયની ઇમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું, એવી ધીરગંભીર વાણી ઉચ્ચારી ચપટી મીઠું ઉપાડીને મીઠાનો કાયદો તોડી અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી નાંખ્યા હતાં. આઝાદીના પ્રવેશદ્વાર સમાન દાંડી ગામે આ નમક સત્યાગ્રહ સ્મારક સ્થળે ભારતીયો સહિત વિદેશી મુલાકાતીઓ પણ મોટી સંખ્યામાં આ મુલાકાત લઇ પૂજય બાપુની વિચારધારાને વંદન કરે છે.