ભગવાન રામના જન્મોત્સવ નિમિતે રામ નવમીની ઠેર ઠેર ભાવ પૂર્વક અને શ્રધ્ધા સાથે થતી ઉજવણી અંતર્ગત શોભાયાત્રા નીકળતી હોય છે. આવતીકાલે રામ નવમી ઉજવણી થશે ત્યારે રાજયભરમાં કોમી એકતા જળવાય રહે તે માટે તકેદારી રાખવા માટે રાજયના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. રાજયના તમામ પોલીસ કમિશનર, રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સથી એલર્ટ રહેવા અને લો એન્ડ ઓર્ડરની સ્થિતી જાળવવા આદેશ કરાયા છે. ગતરોજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તમામ જિલ્લા પોલીસ અધિક્ષક તથા તમામ પોલીસ કમિશનર સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી શ્રીરામનવમીના તહેવાર સંદર્ભે રાખવામાં આવેલ બંદોબસ્ત તથા સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.