રાજ્યમાં તારીખ ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ ૨૦૨૩ જાહેર કર્યું છે. હેક્ટર દીઠ રૂ.૮,૫૦૦ થી રૂ. ૩૭,૫૦૦ સુધીની સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે. ઝાડ ઉખડી , પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં હેક્ટર દીઠ રૂ. ૧,૦૨,૫૦૦ સુધીની સહાયબે હેક્ટરની મર્યાદામાં અપાશે. આ માટે ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.