વડોદરા સહિતના વિસ્તારોમાં રસ્તા-ડિવાઇડરોની શોભા વધારવા અને લીલોતરી માટે વિદેશી પ્રજાતિનાં વૃક્ષ કોનોકાર્પસ પર આખરે વનવિભાગે પ્રતિબંધ મૂક્યો છે. સંશોધન અહેવાલો મુજબ આ પ્રજાતિના પર્યાવરણ અને માનવજીવન ઉપર નકારાત્મક અસરો ગેરફાયદાઓ ધ્યાને આવેલા છે. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે અને ખૂબ જ વિકાસ પામે છે. જેથી ઘણા સંદેશાવ્યવહાર કેબલ, ઘણી ડ્રેનેજ લાઇન અને તાજા પાણીની વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. એક તબક્કે શહેરમાં 24 હજાર જેટલાં વૃક્ષોનો ઉછેર માત્ર ડિવાઇડરો પર જ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાગમાં પણ કોનોકાર્પસ વૃક્ષોનું વાવેતર કરાયું છે. ગુજરાતનાં વડોદરા, અમદાવાદ અને સુરત જેવાં શહેરોમાં આ એલિયન પ્રજાતિએ દાટ વાળ્યો હતો.