સરખેજમાં મહમદપુરા રોડ પર કે.પી. સંઘવી બિલ્ડર્સ દ્વારા બની રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા બે મજૂર દટાઈ ગયા હતા. સાઇટ પર ભૂમિપૂજન કરવાનું હોવાથી મજૂરો ખાડો ખોદતા હતા તે સમયે અચાનક ભેખડ અચાનક ધસી પડી હતી. અન્ય શ્રમિકોએ બંનેને બહાર કાઢી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે બંને શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા. આ અંગે હાલ સરખેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે, પરંતુ મૃતકોના પરિવારજનો અંતિમવિધિ કરીને આવ્યા બાદ આક્ષેપ કે ફરિયાદ નોંધાવવા માગશે તો તપાસ કરીને જવાબદાર સામે ગુનો નોંધવામાં આવશે